(એજન્સી) કોલકાતા, તા. ૧
કેન્દ્રીય મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સ્પષ્ટ રીતે જણાવી દીધું છે કે, કેન્દ્ર સરકાર પશ્ચિમ બંગાળ સુધી નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ(એનઆરસી)નું વિસ્તરણ કરશે. આ સત્તાધારી પાર્ટીની એક અઠવાડિયામાં જ ૧૮૦ ડિગ્રીની ગુલાંટ છે. ભાજપના પશ્ચિમ બંગાળ રાજ્યના અધ્યક્ષ દિલિપ ઘોષે ગયા અઠવાડિયે જણાવ્યું હતું કે, અમે એનઆરસીનો મુદ્દો પણ ઉઠાવવાના નથી. તૃણમુલ કોંગ્રેસ પોતાના રાજકીય ફાયદા માટે આ મુદ્દે ચર્ચા કરી રહી છે. ગયા મહિને રાજ્યમાં એનઆરસી મુદ્દે ડઝન જેટલા લોકોએ આત્મહત્યા કરી લીધા બાદ એનઆરસી અંગે પશ્ચિમ બંગાળમાં ભાજપ પોતાનું વલણ સ્પષ્ટ કરવા મુદ્દે દબાણમાં આવી ગયું હતું. બીજી તરફ અમિત શાહે કહ્યું છે કે, નાગરિક સુધારા બિલ રજૂ કરવામાં આવશે જેમાં હિંદુ, શીખ, જૈન અને બુદ્ધ શરણાર્થીઓને નાગરિકતા આપવાની જોગવાઇ કરવામાં આવશે. એનઆરસી મુદ્દે બંગાળના લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. હું તમામ હિંદુઓ, બુદ્ધિસ્ટો, શીખ, જૈન શરણાર્થીઓને આશ્વાસન આપું છું કે, તેઓએ દેશ છોડવાનો વારો નહીં આવે. તેઓને ભારતની નાગરિકતા અપાશે અને ભારતીય નાગરિક તરીકે તમામ અધિકારોની મજા માણી શકશે. જોકે, ભૂતકાળમાં બિલ રજૂ કરવા દરમિયાન મોટાપાયે થયેલા દેખાવોને ધ્યાનમાં રાખતા અને ઉત્તરપૂર્વમાં તથા અન્ય રાજ્યોમાં ભાજપના સાથી પક્ષો જ વિરોધમાં ઉતર્યા હોવાની પૃષ્ઠભૂમિને જોતા એવું લાગે છે કે, ભાજપ કેવી રીતે આ કાયદો પસાર કરશે. અમિત શાહે એવા પણ સંકેત આપ્યા છે કે, ઘૂસણખોરો(મુસ્લિમ શરણાર્થીઓ)ને દેશ બહાર ફેંકી દેવામાં આવશે. ગયા અઠવાડિયે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાને ભારતના પીએમ મોદીએ જે આશ્વાસન આપ્યું હતું તે અમિત શાહના નિવેદનથી એકદમ અલગ છે. મોદીએ શેખ હસીનાને આશ્વાસન આપ્યું હતું કે, એનઆરસીને કારણે બાંગ્લાદેશને કોઇ અસર નહીં થાય અને તેણે આ અંગે ચિંતા કરવાની જરૂર નથી. વડાપ્રધાન મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ન્યૂયોર્કની હોટેલમાં શેખ હસીનાને આ આશ્વાસન આપ્યું હતું. હવે સવાલ એ ઊભો થાય છે કે, જો મુસ્લિમ શરણાર્થીઓને બાંગ્લાદેશ મોકલવામાં નહીં આવે તો શું અમિત શાહ તેમને અટકાયતી કેન્દ્રો કે બંગાળની ખાડીમાં ફેંકી દેવા માગે છે ?
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મંગળવારે પશ્ચિમ બંગાળના પ્રવાસે ગયા હતા જ્યાં તેમણે કોલકાતામાં એનઆરસી અંગે આયોજિત એક જનજાગરણ સભાને સંબોધિત કરતા રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનરજી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. અમિત શાહે કહ્યું કે, એનઆરસી અંગે લોકોમાં ભ્રમ ફેલાવાય છે. ભાજપ સરકાર એનઆરસીના પહેલા સિટિઝન સુધારો બિલ લાવશે. આ બિલ અંતર્ગત ભારતમાં જેટલા પણ હિંદુ, શીખ, બૌદ્ધ, ઇસાઇ શરણાર્થીઓ આવ્યા છે તેમને ભારતની નાગરિકતા આપવામાં આવશે. અમિત શાહે કહ્યું કે, એક પણ ઘૂસણખોરને દેશમં રહેવા દઇશું નહીં. તેમને વીણી-વીણીને બહાર કરવામાં આવશે. કોઇપણ શરણાર્થીને જવા દેવાશે નહીં અને કોઇપણ ઘૂસણખોરને દેશમાં રહેવા દેવાશે નહીં. તેમણે ભારપૂર્વક કહ્યું કે, જે પણ હિંદુ શરણાર્થી પોતાની ધરતી પર પરત ફર્યા છે તેમને અહીંની નાગરિકતા આપવામાં આવશે. તેમણે કહ્યું કે, જ્યારે મમતા દીદી વિપક્ષમાં હતા ત્યારે તેઓ ઘૂસણખોરોને હટાવવાની વાત કરતા હતા. તેમણે આ મુદ્દે રાજ્ય વિધાનસભાના અધ્યક્ષના મોઢા પર પોતાની શાલ સુદ્ધાં ફેંકી દીધી હતી. હવે આ લોકોતેમની મતબેંક બની ગયા છે તો હવે તેઓ ઇચ્છતા નથી કે આ લોકો દેશ બહાર જાય. આ પ્રસંગે અમિત શાહે ભારતીય જનસંઘના સંસ્થાપક રહેલા શ્યામાપ્રસાદ મુખરજીને યાદ કરતા કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, બંગાળ અને કલમ ૩૭૦નું એક જ કનેક્શન છે કેમ કે બંગાળમાં શ્યામાપ્રસાદ મુખરજીએ જ આની વિરૂદ્ધ સૌથીપહેલા અવાજ ઉઠાવ્યો હતો.