Ahmedabad

દિવ્યાંગોના જીવનમાં ઉજાસ પાથરવાનું કામ મારા હાથે થયું તેનો સંતોષ : અમિત શાહ

ગાંધીનગર, તા.રપ
ગાંધીનગરમાં દિવ્યાંગોને સાધન સહાય આપવાના કાર્યક્રમમાં હાજર રહેલા ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, દિવ્યાંગોએ નિરાશા છોડીને કુદરતે આપેલી એક ક્ષતિ સામે અનેક શક્તિઓ બક્ષી છે. તેને શોધીને તેનો વિકાસ કરવા માટે મહેનત કરવી જોઈએ. જો કે, દિવ્યાંગોના જીવનમાં આજે ઉજાસ પાથરવાનું કામ મારા હાથે થયું છે તેનો મને સંતોષ છે.
કેન્દ્ર સરકારે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જેના જીવનમાં નાની મોટી ખોટ છે, તેમના પ્રત્યે સંવેદના દાખવી માનવતાવાદી પગલા લઇ સામાજિક અઘિકારિતા વિભાગ દ્વારા દિવ્યાંગજનોને સાઘન-સહાય આપીને આજે દિવ્યાંગોના જીવનમાં ઉજાસ પાથરવાનું કામ થયું છે. જેનું સૌભાગ્ય મને સાંપડ્યું છે, તેનો મને આત્મ સંતોષ છે. તેમ દિવાળીના પર્વના ઘનતેરસના દિવસે સૌને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવતાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું કે આ વ્યવસ્થા ત્યારે થાય જયારે હદયમાં કરૂણા અને ગરીબો પ્રત્યે સંવેદના હોય, દિવ્યાંગો પ્રત્યેનો કરૂણા ભાવ વડાપ્રઘાન નરેન્દ્ર મોદીના જીવનમાં છે, એટલે વડાપ્રઘાન બન્યા પછી ક્ષતિગ્રસ્તોને દિવ્યાંગો નામ આપી તેમને સન્માન જનક જીવન જીવવાની સૌથી મોટી ભેટ આપી તેમના જીવનમાંનું અંઘારુ દૂર કરીને આજવાળું પાથરાયું છે. છેલ્લા પાંચ વર્ષમાં ૧૪ લાખ લોકોના જીવનમાં અજવાળું પથરાયું છે. અને આવનારા પાંચ વર્ષમાં ૩૦ લાખ લોકો સુઘી આવી સાઘન-સહાયનો લાભ પહોંચાડવાનો છે.
ગૃહમંત્રીએ સુગમ્ય ભારત યોજનાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, દિવ્યાંગજનોને જાહેર સ્થળોએ, જાહેર ભવનોમાંતમામ સ્થળે સુવિઘાઓ મળી રહે તેવા પ્રાવઘાન કર્યા છે. તેમણે ભારત સરકારના સામાજિક ન્યાય અને અઘિકારિતા મંત્રી શ્રી થાવરચંદ ગેહલોતને પોતાના મત વિસ્તારમાં ૪૫૦૦ જેટલા દિવ્યાંગજનોના જીવનમાં ઉપયોગી ઉપકરણો આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે પ્લાસ્ટિક મુકત જિલ્લો બનાવવા ઉપસ્થિત મહિલાઓને હાથ ઉંચો કરાવી કાપડની થેલી હવે, ફેશન બનશે, તેમ જણાવી નાગરિકોને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અને શાકભાજી તેમજ કરિયાળું કાપડની થેલીમાં લાવવા સંકલ્પ લેવડાવ્યો હતો. મારા સંસદીય મત વિસ્તારને પાંચ વર્ષમાં સૌથી વઘુ વિકસિત વિસ્તાર તરીકે વિકસાવાશે. તેમણે ભૂગર્ભમાં ઉંડા ગયેલા પાણીમાં ફલોરાઇડથી થતાં રોગો દૂર કરવા દરેક ઘરમાં પાઇપલાઇનથી પીવાનું શુઘ્ઘ પાણી પહોંચાડશે, કહી સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો.
ગૃહ મંત્રી અમિત શાહેના કલોલ એ.પી.એમ.સી. ખાતે રૂપિયા ૧ કરોડના ખર્ચે નિર્માણ પામનાર એ.પી.એમ.સી.ની ઓફિસનું ખાતમહૂર્ત કરવામાં આવ્યું હતું. તેમજ રૂપિયા ૨૫ લાખના ખર્ચે તૈયાર થયેલ ડાઇનીંગ હોલ તથા ૫૦ લાખના ખર્ચે તૈયાર થયેલ આરામગૃહનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત કલોલ ગાયત્રી મંદિર નજીક રૂપિયા ૬૫ લાખના ખર્ચે તૈયાર થયેલ ઓવરબ્રિજનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. દિવ્યાંગ વ્યક્તિઓને સાઘન-સહાયનું પણ વિતરણ કરાયું હતું.