(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૦
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે રાજ્યસભામાં જણાવ્યું હતું કે, દેશભરમાં રાષ્ટ્રીય નાગરિકતા રજીસ્ટર લાગુ કરવામાં આવશે. રાજ્યસભામા તેમણે જણાવ્યું હતું કે, આના કારણે દેશમાં કોઇપણ સંપ્રદાય કે વ્યક્તિને ડરવાની જરૂર નથી. આ એક પ્રક્રિયા છે જેના દ્વારા તમામને એનઆરસીમાં સામેલ કરવામાં આવશે. ગૃહમંત્રીએ કહ્યું કે, એનઆરસી સિટિઝનશિપ બિલથી અલગ છે અને તે અંતર્ગત તમામ હિંદુ, બૌદ્ધ, સિખ, જૈન, પારસી અને ઇસાઇ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવામાં આવશે જેઓ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અથવા બાંગ્લાદેશમાંથી ભાગીને અહીં આવ્યા છે. અમિત શાહે જણાવ્યું હતું કે, એનઆરસીમાં એવી કોઇ જોગવાઇ નથી જે કહે કે, એનઆરસી અંતર્ગત કોઇ અન્ય ધર્મને લેવામાં નહીં આવે. ભારતના તમામ નાગરિકો પછી તે કોઇપણ ધર્મના હોય, તેઓ એનઆરસી યાદીમાં સામેલ થશે. કેન્દ્રીય ગૃહમત્રીએ ભારપૂર્વક કહ્યું કે, એનઆરસી નાગરિકતા સંશોધન ખરડાથી બિલકુલ અલગ છે. આસામમાં એનઆરસી લિસ્ટમાંથી બહાર થયેલા લોકો અંગે શાહે કહ્યું કે, જે લોકોના નામ મુસદ્દા યાદીમાં નથી તેમણે ટ્રિબ્યૂનલમાં જવાનો અધિકાર છે. આવા ટ્રિબ્યૂનલ સમગ્ર આસામમાં બનાવાશે. જો કોઇ વ્યક્તિ પાસે ટ્રિબ્યૂનલમાં સંપર્ક કરવા માટે નાણા નથી તો આસામ સરકારે વકીલ રાખવાનો ખર્ચ ઉઠાવવો પડશે.
અમિત શાહે કાશ્મીરમાં કલમ ૩૭૦ હટાવવાનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, પાંચમી ઓગસ્ટ બાદથી જ રાજ્યમાં એક પણ શખ્સની પોલીસ ફાયરિંગમાં મોત થયું નથી. તેમણે જણાવ્યું કે, ગૃહને એ જણાવતા આનંદ થઇ રહ્યો છે કે, પાંચમી ઓગસ્ટ બાદથી જમ્મુ-કાશ્મીરમાં પોલીસ ફાયરિંગમાં એક પણ વ્યક્તિનું મોત થયું નથી. તેમણે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં તમામ ઉર્દૂ અને અંગ્રેજીની સમાચાર ચેનલો અને સમાચાર પત્રો ચાલુ છે. રાજ્યમા તમામ સરકારી કચેરીઓ, બેંકો, શાળાઓ, કોર્ટ કામ કરી રહ્યા છે. ગૃહમંત્રીએ જણાવ્યું કે, રાજ્યમાં તાજેતરમાં થયેલી બીડીએસની ચૂંટણીઓમાં ૯૮.૩ ટકા રેકોર્ડ મતદાન થયું છે. ઉલ્લેખનીય છે કે, સંસદના શિયાળુ સત્રની શરૂઆત સોમવારે થઇ છે અને પહેલા દિવસથી જ સંસદમાં પ્રશ્નકાળ દરમિયાન વિવિધ મુદ્દાઓ પર હોબાળો થઇ રહ્યો છે. સોમવારે નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લાહને શ્રીનગરમાં હિરાસતમાં રાખવાના મુદ્દે કોંગ્રેસ, દ્રમુક અને અન્ય વિપક્ષી દળોના સભ્યોએ લોકસભામાં સરકાર પર નિશાન તાક્યું હતું અને લોકસભા સમક્ષ સરકારને અબ્દુલ્લાહને તાત્કાલિક મુક્ત કરવાનો આદેશ આપવા અનુરોધ કર્યો હતો. આ મુદ્દે વિરોધ દર્શાવતા કોંગ્રેસના સભ્યોએ સંસદમાંથી વોકઆઉટ કર્યો હતો.
સોમવારે શિવેસનાના સભ્યોએ પણ મહારાષ્ટ્રમાં ખેડૂતો મુદ્દે નારેબાજી કરી રહ્યા હતા. અધ્યક્ષ બિરલાએ નારેબાજી વચ્ચે પ્રશ્નકાળ ચલાવ્યો હતો. શિયાળુ સત્રના બીજા દિવસે પણ લોકસભાની બેઠક હોબાળા સાથે શરૂ થઇ હતી અને કોંગ્રેસ નેતાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધીની એસપીજી સુરક્ષા પરત ખેંચી લેવા અંગે કોંગ્રેસ, દ્રમુકના સભ્યોએ સમગ્ર પ્રશ્નકાળ દરમિયાન નારેબાજી કરી હતી અને વેલમાં ધસી આવ્યા હતા. શૂન્યકાળમાં આ સભ્યોએ આ વિષય અંગે ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો. અધ્યક્ષ બિરલાએ નારેબાજી કરતા સભ્યોને ચેતવણી આપી હતી કે, વેલમાં આવીને નારેબાજી કરતા અધ્યક્ષ સાથે વાત કરવાની પરંપરા પહેલા રહેતી હશે પણ હવેથી સભ્યો આવું ના કરે નહીં તો તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. બાદમાં શૂન્યકાળ શરૂ થતા સભ્યો પોતાની જગ્યા પર બેસી ગયા હતા.