(એજન્સી) તા.૨૧
ઘણા વર્ષોથી લટકાવી રહી હતી કૉંગ્રેસ, અયોધ્યામાં હવે બનશે ભવ્ય રામ મંદિર : અમિત શાહ ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે બીજેપી અધ્યક્ષ અને ગૃહમંત્રી અમિત શાહે લાતેહારમાં રેલી કરી હતી. આ દરમિયાન તેમણે રામ મંદિરનો મુદ્દો ઉઠાવ્યો હતો. અમિત શાહે કહ્યું હતું કે દરેક ઇચ્છે છે કે અયોધ્યામાં રામ મંદિર બનવું જોઈએ પણ કૉંગ્રેસે ૭૦ વર્ષ સુધી મામલાને લટકાવી રાખ્યો હતો. હવે દેશની સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક નિર્ણય આપી દીધો છે. અયોધ્યામાં આસમાનને અડે તેવા રામ મંદિરનું નિર્માણ કરવામાં આવશે.
લાતેહારમાં મનિકામાં જનસભાને સંબોધિત કરતા અમિત શાહે કૉંગ્રેસ અને જેએમએમ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે તમારો એક વોટ નક્કી કરશે કે આગામી ૫ વર્ષમાં ઝારખંડમાં કોની સરકાર બનશે. તમે એ ના વિચારતા કે તમે ધારાસભ્ય, મંત્રી કે મુખ્યમંત્રી પસંદ કરવા જઈ રહ્યો છે. તમારો એક વોટ ઝારખંડના વિકાસ માટે છે, ઝારખંડને આગળ વધારવા માટે છે. અમિત શાહે કહ્યું હતું કે ગત ચૂંટણીમાં મેં કહ્યું હતું કે એક વખત તમે પૂર્ણ બહુમત આપો અમે ઝારખંડને વિકાસના રસ્તે લઈ જઈશું. મને આનંદ છે કે આજે ૫ વર્ષ પછી જ્યારે અહીં આવ્યો છું તો રઘુવર સરકારે ઝારખંડને વિકાસના રસ્તે આગળ વધારવાનું કામ કર્યું છે.
અમિત શાહે કહ્યું હતું કે પીએમ મોદીએ દરેક ક્ષણ, દરેક દિવસે ઝારખંડના વિકાસ માટે દિલ્હીમાં બેસીને ચિંતા કરી છે. જેના કારણે આજે ઝારખંડમાં વિકાસ થયો છે. કૉંગ્રેસ પાર્ટી અને ઝારખંડ મુક્તિ મોર્ચો (જેએમએમ) આદિવાસીઓ અને પછાતની વાત કરે છે. હું પુછવા માંગીશ કે ૭૦ વર્ષ સુધી કૉંગ્રેસે શાસન કર્યું છે. ગરીબના ઘરમાં ગેસ, વિજળી, સ્વાસ્થ્ય કાર્ડ, શૌચાલય કેમ ના પહોંચ્યા? તેમની પાસે કોઈ વાતનો જવાબ નથી.
ગૃહમંત્રીએ કહ્યું હતું કે આદિવાસી ભાઈઓ-બહેનો માટે મોદી સરકારે ઘણું કામ કર્યું છે. પાંચ વર્ષની અંદર આદિવાસીઓનું ગૌરવ વધારવા માટે કોઈ કસર છોડી નથી. ડિસ્ટ્રીક્ટ મિનરલ ફંડ અમે ગઠન કર્યું છે. આ ફંડમાં ૩૨ હજાર કરોડ રુપિયા આદિવાસી ભાઈઓ-બહેનો માટે આપ્યા છે. બીજેપી અધ્યક્ષે કહ્યું છે કે કાશ્મીર સમસ્યાને કૉંગ્રેસ પાર્ટીએ પોતાની વોટબેન્કની લાલચમાં ૭૦ વર્ષથી લટકાવી રાખ્યો હતો. મોદી સરકારે ભારત માતાના મુકુટમણિ પર લાગેલા ૩૭૦ના કલંકને હટાવી કાશ્મીરના વિકાસનો રસ્તો ખોલી નાખ્યો છે.