ચક્રધારપુર, તા.૨
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ઝારખંડમાં બીજા તબક્કાના મતદાન પહેલાં ચૂંટણી સભાને ચક્રધારપુર ખાતે જંગી સભાને કરેલા સંબોધનમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને નિશાન બનાવીને દાવો કર્યો હતો કે ભાજપ સરકાર દેશમાંથી એકેએક ઘૂસણખોરોને વીણી વીણીને તગેડવા એનઆરસી કાયદાનો અમલ કરવા જઇ રહી છે ત્યારે કોંગ્રેસ તેનો વિરોધ કરીને ઘૂસણખોરોને શા માટે બચાવવા માંગે છે..? તેમણે રાહુલને ઉદ્દેશીને સવાલ કર્યો કે રાહુલજી, શું આ વિદેશી ઘૂસણખોરો તમારા પિતરાઇ ભાઇ થાય છે ?
૮૧ બેઠકો ધરાવનાર ઝારખંડમાં પ્રથમ તબક્કામાં ૧૩ બેઠકો માટે મતદાન થઇ ગયું છે. બીજા તબક્કામાં ૭મીએ ૨૦ બેઠકો માટે મતદાન થવાનું છે તે પહેલાં રાજકીય પક્ષો માટે પ્રચાર ચાલી રહ્યો છે. ઝારખંડ ચૂંટણીમાં પણ હવે એનઆરસી અને ઘૂસણખોરોના મુ્‌દ્દા ગાજવા લાગ્યા છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે સોમવારે અહીં એક રેલીમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર જોરદાર નિશાન સાધ્યું હતું. અમિત શાહે કહ્યું, ‘આ રાહુલ બાબા કહે છે કે તમે એનઆરસી કેમ લાવ્યા છો? તમે ઘુસણખોરોને કેમ દૂર કરી રહ્યા છો? તેઓ ક્યાં જશે? કેમ ભાઇ, ઘૂસણખોરો તમારા પિતરાઈ ભાઈ લાગે છે? ૨૦૨૪ પહેલા, ભાજપ સરકાર દેશમાંથી દરેક ઘુસણખોરને વીણી વીણીને શોધી કાઢીને તેમને તેમના દેશ ભેગા કરી દઇને દેશને સલામત બનાવશે. અમિત શાહે ઝારખંડની ચૂંટણીના બીજા તબક્કાની ચૂંટણી માટે બહરાગોડાનાચક્રધારપુરમાં એક રેલીને સંબોધન કર્યું હતું. અહીંની રેલીમાં અમિત શાહે કહ્યું કે- છેલ્લાં પાંચ વર્ષમાં નરેન્દ્ર મોદી સરકાર અને રઘુબરદાસ સરકારે ઝારખંડથી નક્સલવાદને ખતમ કરીને વિકાસનો માર્ગ મોકળો કર્યો છે. સત્તાની ખાતર હેમંત સોરેન કોંગ્રેસના ખોળામાં બેસીને મુખ્યમંત્રી બનવા માંગે છે. તેમનો ઉદ્દેશ સત્તા મેળવવાનો છે પરંતુ ભાજપનો લક્ષ્ય રાજ્યને વિકાસના માર્ગ પર આગળ વધારવાનો છે. અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીના નેતાઓ સુપ્રીમ કોર્ટમાં જતા હતા અને કોર્ટને વિનંતી કરતા હતા કે રામ જન્મભૂમિ કેસ ચલાવવાની જરૂર નથી. પરંતુ તમારા લોકોના બળે અમે કોર્ટને વિનંતી કરી કે આ કેસ ચાલવો જોઈએ. જેનું પરિણામ એ છે કે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે અયોધ્યામાં જ રામ મંદિર બનાવવામાં આવશે. ભાજપ અધ્યક્ષે કહ્યું કે, ભાજપ ઓબીસી સમાજના ભાઈ-બહેનોને ન્યાય આપવા માટે અનેક યોજનાઓ લઈને આવી છે. અમિત શાહે કહ્યું કે આજે હું રાહુલ ગાંધી પડકાર આપવા આવ્યો છું, તમારા ૫૫ વર્ષના શાસન અને અમારા પાંચ વર્ષના શાસનનો હિસાબ કરી લો. એનઆરસી વિશે વાત કરતાં શાહે લોકોને સવાલ કર્યો હતો કે, ઘુસણખોરોએ આ દેશની બહાર જવું જોઇએ કે નહીં ? દેશને સલામત બનાવવું જોઇએ કે નહીં. પરંતુ કોંગ્રેસ પાર્ટીનું કહેવું છે કે ઘુસણખોરોને ના કાઢો. પરંતુ આ મોદીજીની સરકાર છે, ૨૦૨૪ પહેલા જ્યારે અમે ફરીથી તમારો મત માંગવા માટે આવીશું ત્યારે, આખા દેશમાં એનઆરસી મૂકીને, અમે તમામ ઘૂસણખોરોને દેશમાંથી બહાર કાઢીને જ જંપીશું.