(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૧પ
ગુજરાતના પ્રવાસે આવેલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે કોંગ્રેસ ઉપર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, પ૦-૬૦ વર્ષો સુધી શાસન કરનારા અને નકારાત્મક વાત કરનાર લોકો જ બેરોજગારીની વાત કર છે. આટ-આટલા વર્ષો રાજ કરવા છતાં આ સમસ્યાનો ઉકેલ ના શોધ્યો. આ સાથે કેન્દ્રીય મંત્રીએ ગાંધીનગરમાં સ્થપાનાર ભારતીય કૌશલ સંસ્થા (IIS)માં તાલીમ મેળવનાર ૭૦ ટકા યુવાનોને નોકરી મળે તેવી વ્યવસ્થા ઊભી કરાશે તેવી જાહેરાત પણ કરી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ યુવાશકિતના સ્કીલ ડેવલપમેન્ટ માટે શરૂ કરેલા આયામો આવનારા દિવસોમાં રોજગાર નિર્માણના રાજમાર્ગ બનશે. ભારત સરકારના સ્કીલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રેનીયોરશીપ મંત્રાલય દ્વારા કલોલ નજીક નાસ્મેદમાં ર૦ એકર જમીનમાં નિર્માણ પામનારા ઇન્ડીયન ઇન્સ્ટીટયૂટ ઓફ સ્કીલ્સના શિલાન્યાસ કાર્યક્રમમાં સંબોધન કરતાં કેન્દ્રીય મંત્રીએ જે લોકો ભારતમાં બેરોજગારી વધી રહી છે તેવી વાતો કરે છે તેમની સ્પષ્ટ આલોચના કરતાં કહ્યું કે, ૫૦-૬૦ વર્ષ સુધી જેમણે શાસન કર્યુ તે લોકોએ બેરોજગારીની સમસ્યાના સમાધાન માટે શું કર્યુ ? તેમણે ઉમેર્યુ કે, ૧૩૦ કરોડની વસ્તી ધરાવતા આપણા દેશમાં યુવાનોને રોજગારી મળે એ માટે જે શાસકોએ અત્યાર સુધી નવો કોઇ માર્ગ શોધ્યો તે હવે અમારી પાસે હિસાબ માંગી રહ્યા છે. ભારત વિશ્વનું સૌથી તેજ ગતિ કરતું અર્થતંત્ર બન્યું છે. ભારત ૫૦-૬૦ વર્ષમાં બે ટ્રિલિયન ડોલરની ઈકોનોમી સુધી પહોચ્યું હતું જ્યારે છેલ્લાં પાંચ વર્ષમાં ઈકોનોમી બે થી વધીને ત્રણ ટ્રિલિયન ડોલર સુધી પહોચી છે. આગામી વર્ષ-૨૦૨૪ સુધીમાં ભારતની ઈકોનોમીને પાંચ ટ્રિલિયન ડોલર સુધી લઈ જવાનો આપણે નિર્ધાર કર્યો છે, તેમાં યુવાનોનું સ્કીલ ડેવલપમેન્ટ મોટી ભૂમિકા ભજવશે એમ તેમણે યુવાઓને પ્રેરણા આપતા જણાવ્યું હતું. ગુજરાતની ૨૭૨ આઈટીઆઈને આઈઆઈએસ સાથે જોડીને તેને વધુ અપગ્રેડ કરવા ટાટા ગ્રુપના આઈઆઈએસના તજજ્ઞો રાજયભરની આઈટીઆઈને તાલીમ આપી આઈઆઈએસ સમકક્ષ બનાવે તેવો અનુરોધ તેમણે રતન ટાટાને કર્યો હતો. રતન ટાટાએ તેનો ત્વરિત પ્રતિસાદ આપતાં ટાટા ટ્રસ્ટ આ માટે તત્પર છે તેમ ગૃહમંત્રીએ જણાવ્યું હતું. ૫૦ લાખ જેટલા યુવાનોને સ્કીલ ડેવલપમેન્ટ થકી ફાયદો થયો છે તેવું કહી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, આ સંસ્થાનમાં પાંચ હજાર છાત્રોને એક વર્ષમાં જ તાલીમ અપાશે. જેમાંથી ૭૦ ટકા જેટલા વિદ્યાર્થીઓને સંસ્થાનમાં યોજાતા પ્લેસમેન્ટમાં નોકરી મળી જશે, તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. વિશ્વમાં સ્કીલ આંદોલન થઇ રહ્યું છે, તેમ જણાવી કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, દેશના યુવાનો પાછળ ન રહે તે માટે ‘સ્કીલ ઇન્ડિયા’ સાથે એપ્રેન્ટીશીપની યોજના જોડવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, ગુજરાત દેશના GDP, GSD, એગ્રીકલ્ચર, મેન્યૂફેકચરીંગ અને FDIમાં દેશનું અગ્રેસર રાજ્ય છે. હવે, આ નવિન ઇન્સ્ટીટયૂટ યુવાઓને વધુ કૌશલ્યવાન બનાવી રાજ્યની વિકાસયાત્રાને વધુ વેગવાન બનાવશે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇએ યુવાઓને આપેલા સ્કીલ + વિલ + ઝિલ = વિનના મંત્રને સાકાર કરવા આઇ.ટી.આઇ.નું વિશાળ નેટવર્ક ઊભું કર્યુ છે અને યુવાનોને રોજગારલક્ષી વ્યવસાય અભ્યાસક્રમોથી ઊદ્યોગોને અનુરૂપ માનવબળનું નિર્માણ કર્યુ છે. એમિરેન્ટ્‌સ ટાટા સન્સના અધ્યક્ષ અને ટાટા ટ્રસ્ટ્રના અધ્યક્ષ રતન ટાટાએ જણાવ્યું હતું કે, આગામી વિશ્વ કૌશલ્યો-ઉદ્યોગ સાહસિકતા અને તકને આધારિત હશે. આ દૂરંદેશી પ્રોજેક્ટને સફળ બનાવવા માટે માત્ર પરંપરાગત જ નહિં, નવસર્જિત કૌશલ્યો પણ જરૂરી બનશે. આ નવા કૌશલ્યો ‘ઇન્ડીયન ઇન્સ્ટીટ્યુટ ઓફ સ્કીલ્સ’ (ૈૈંંજીજ)ના માધ્યમથી વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ બનશે.