(એજન્સી) નવી દિલ્હી, તા.૨૧
નાગરિકતા સુધારા કાયદા(સીએએ) પર થયેલા હોબાળા વચ્ચે હવે લોકોને સમજાવવા માટે ખુદ ગૃહમંત્રી અમિત શાહ રસ્તા પર ઉતરવાના છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આગલા મહિને ૧૫ માર્ચના રોજ અમિત શાહ હૈદરાબાદમાં એક સીએએ સમર્થન રેલીને સંબોધિત કરવાના છે. ગૃહમંત્રીની આ રેલીને તેલંગાના પોલિસે મંજૂરી આપી દીધી છે. તેલંગાના ભારતીય જનતા પાર્ટી એકમના અધ્યક્ષ કે લક્ષ્મણે શાહની આ રેલી વિશે માહિતી આપી છે. તેલંગાના ભાજપ અધ્યક્ષ કે લક્ષ્મણે જણાવ્યુ કે રાજ્યમાં તેલંગાના રાષ્ટ્ર સમિતિ પાર્ટી અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ઑલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન સીએએ વિશે લોકોને ખોટી માહિતી આપી રહી છે, તેમને ભડકાવી રહી છે. વિપક્ષી પાર્ટીઓ દ્વારા કથિત ખોટા પ્રચારનો મુકાબલો કરવા માટે નાગરિકતા સુધારા અધિનિયમ પર ભાજપ કાયદાના યોગ્ય તથ્યો માટે એક રેલી કરશે જેમાં ખુદ ગૃહમંત્રી અમિત શાહ લોકોને સંબોધિત કરશે. કે લક્ષ્મણે આરોપ લગાવ્યો કે તેલંગાનાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે કલ્યાણકારી યોજનાઓને લાગૂ કરી અને માત્ર ચૂંટણી દરમિયાન સરકારી કર્મચારીઓ માટે પગાર સુધારાની ઘોષણા કરી.