(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૨૨
અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ અને પીએમ મોદીની તા.૨૪ ફેબ્રુઆરીની મુલાકાત, તેમના મેગા ઇન્ડિયા રોડ શો અને મોટેરા સ્ટેડિયમમાં યોજાનારા નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને લઇને અમ્યુકો, સરકાર, પોલીસ અને વહીવટી તંત્ર સહિતના સંબંધિત તમામ લોકો દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ખાસ કરીને મોટેરા સ્ટેડિયમમાં યોજાનારા નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમના આયોજન અને તૈયારીઓના વિશેષ નીરીક્ષણ અર્થે કેન્દ્રીય ગૃહમંત્રી અને ગુજરાત ક્રિકેટ એસોસીએશનના પ્રમુખ અમિત શાહ આવતીકાલે અમદાવાદ આવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે તેમના આ પ્રવાસ દરમ્યાન સતત ત્રણ દિવસ એટલે કે તા.૨૩,૨૪ અને ૨૫ ફેબ્રુઆરી સુધી ગુજરાતમાં રોકાશે. આ દરમિયાન તેઓ આવતીકાલે તા.૨૩ ફેબ્રુઆરીએ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમની તૈયારીઓનું નિરીક્ષણ કરવા માટે મોટેરા સ્ટેડિયમની પણ મુલાકાત લેશે. જયાં તેઓ સમગ્ર કાર્યક્રમની તૈયારીઓ, આયોજન સહિતની એકએક બાબતોને બારીકાઇથી નિહાળી નીરીક્ષણ કરશે અને જરૂર પડયે સ્થાનિક અધિકારીઓ અને પોલીસ-સુરક્ષા જવાનોને સૂચના પણ આપશે. તા.૨૪મી ફેબ્રુઆરીએ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ અમિત શાહ તા.૨૫મી ફેબ્રુઆરીના રોજ મંગળવારે વિદ્યાર્થી ભવનના શિલાયન્સ કાર્યક્રમમાં હાજરી આપશે.
અમિત શાહની ગુજરાત મુલાકાતને લઈને ફરી સંગઠનમાં વિવિધ નિમણૂંકોને લઇ અટકળો ચાલી રહી છે. ત્રણ દિવસના આ પ્રવાસ દરમિયાન ગૃહમંત્રી સંગઠનના આગેવાનો સાથે રાજ્યની હાલની રાજકીય પરિસ્થિતિ અંગે પણ ચર્ચા કરશે અને કેટલીક મહત્ત્વની સૂચનાઓ-નિર્દેશો જારી કરશે.