(એજન્સી) તા.રપ
ભાજપ અધ્યક્ષ અમિત શાહે ર૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલાં સોશિયલ મીડિયા પરની નિષ્ક્રિયતાને કારણે આસામના સોશિયલ મીડિયા સેલને ઠપકો આપ્યો હતો. શાહે તાજેતરમાં જ આસામ અને અન્ય પૂર્વોત્તર રાજ્યોની યાત્રા દરમિયાન લોકસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરી હતી. શાહે સોશિયલ મીડિયા ટીમ અને પાર્ટીના અન્ય સભ્યોથી સોશિયલ મીડિયા પર સક્રિય થવાનું અને વધારેમાં વધારે મતદારો સુધી પહોંચ બનાવવાનું અને યુવા મતદારોને આકર્ષિત કરવાનું કહ્યું હતું. એક ભાજપ નેતાએ જણાવ્યું હતું કે શાહે સોશિયલ મીડિયા ટીમ સાથે જુદી બેઠક કરી હતી. આ બેઠકમાં ૮ર સભ્યોએ ભાગ લીધો હતો. શાહે ચિંતા વ્યક્ત કરી હતી કે મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલ અને સ્વાસ્થ્ય મંત્રી હેમંત બિશ્વા શર્મા સિવાય મોટાભાગના નેતાઓ સોશિયલ મીડિયા પર સક્રિય નથી. અમિત શાહે સોશિયલ મીડિયા ટીમને એવી સામગ્રી તૈયાર કરવા કહ્યું કે જેનાથી લોકો સાથે સારી રીતે વાર્તાલાપ કરી શકાય.