(એજન્સી) હૈદરાબાદ, તા. ૧૫
ભાજપના અધ્યક્ષ અમિત શાહે પેટ્રોલ તથા ડીઝલની વધતી કિંમતો અને રૂપિયાની સતત ઘટતી જઇ રહેલી કિંમત માટે આંતરરાષ્ટ્રીય પરિબળોને જવાબદાર ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો તથા રૂપિયો ગગડવો એ ચિંતાની વાત છે પણ આ માટે કેટલાક વૈશ્વિક પરબળો જવાબદાર છે. અમેરિકા અને ચીન વચ્ચે વેપાર યુદ્ધ અને અન્ય વૈશ્વિક ઘટનાક્રમોને કારણે આ બધું થઇ રહ્યું છે. શાહે કહ્યું કે, અમે પણ આ માટે ચિંતિત છીએ અને સરકાર આના સમાધાન માટે કામ કરી રહી છે. થોડા સમયમાં જ સરકાર આ મુદ્દે પગલાં ભરશે. અમે આ મુદ્દે લોકોની નારાજગી પણ સમજીએ છીએ. અમે આ મુદ્દે કોઇ નવી યોજના સાથે આવી શકીએ છીએ.
ભાજપના અધ્યક્ષે પોતાના તેલંગાણાના એક દિવસના પ્રવાસ દરમિયાન મહેબૂબનગરમાં મોટી રેલી યોજી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે. તેઓએ પાર્ટીના પદાધિકારીઓ સથે મોડી સાંજે દિલ્હીમાં ચૂંટણીની આગામી તૈયારીઓ માટે બેઠક કરી હતી. શાહે રેલી દરમિયાન જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સ્તરે છેલ્લા કેટલાક દિવસથી ક્રૂડના ભાવ વધી રહ્યા છે આજ સમયે ડોલર સામે રૂપિયો નબળો પડી રહ્યો છે પણ સાથે જ અન્ય દેશોનું ચલણ પણ નબળું થયું છે. અમે જાણીએ છીએ કે લોકો ગુસ્સામાં છે અને કિંમતો વધવા મામલે ભાજપ પણ ચિંતિત છે. પહેલી ઓગસ્ટથી દેશમાં પેટ્રોલની કિંમતોમાં ૬ ટકા અને ડીઝલની કિંમતોમાં ૮ ટકાનો વધારો થયો છે. મુંબઇમાં શનિવારે પેટ્રોલની કિંમત ૮૯.૦૧ રૂપિયા થઇ ગઇ હતી જ્યારે ડીઝલ ૮૧.૬૩ને પાર થયું હતું. રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણીઓ પહેલા એનડીએ સરકારની મુશ્કેલીઓ પેટ્રોલના વધતા ભાવે વધારી છે. પેટ્રોલની કિંમતો અને રૂપિયા મુદ્દે વિપક્ષે સરકાર પર પ્રહાર ચાલુ રાખ્યા છે. ભાજપના અધ્યક્ષે વિધાનસભા ચૂંટણીઓમાં ટીઆરએસ સાથે કોઇપણ પ્રકારના ગઠબંધનને ફગાવી દીધો હતો. તેમણે કહ્યું કે, ટીઆરએસ સાથે અમારૂં કોઇ સમાધાન અથવા ગઠબંધન નથી થયું. આ અંગે કોઇ મુંઝવણ નથી. અમે ચૂંટણીઓમાં ટીઆરએસ સામે મજબૂતીથી ઉતરીશું અને તેને સત્તા પરથી ઉતારી પાડીશું.