થિરૂવનંતપુરમ, તા. ૩
પરંપરાગત કેરળની ધોતીમાં ભાજપના અધ્યક્ષ અમિત શાહ કેરળના મુખ્યમંત્રી પિનરઇ વિજયનને સીધો પડકાર ફેંકતા પાર્ટીની જન રક્ષા યાત્રા શરૂ કરતા પહેલા કન્નૂર જિલ્લામાં આવેલા રાજરાજેશ્વર મંદિરની મુલાકાત લીધી હતી. રાજકીય હિંસા માટે જાણીતા અને મુખ્યમંત્રી પિનરઇના ગૃહનગર કન્નૂરમાંથી યાત્રાની શરૂઆત કરી હતી. છેલ્લા ૧૫ દિવસથી રાજ્યના પાટનગર થિરૂવનંતપુરમમાં ભાજપના સેંકડો કાર્યકરોને લઇ અમિત શાહ અને કેન્દ્રીય મંત્રીઓ તાગ મેળવી રહ્યા હતા. આ યાત્રામાં ભાજપે કેરળની સત્તાધારી પાર્ટી સીપીએમની હત્યાની રાજનીતિ ગણાવી છે. યાત્રામાં સામેલ થવા માટે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અને હિંદુવાદી ચહેરા યોગી આદિત્યનાથ પણ યાત્રામાં સામેલ થવા માટે બુધવારે કન્નૂર જશે.
છેલ્લા ત્રણ દિવસથી કેરળમાં રહેલા અમિત શાહ મંગળવાર ઉપરાંત ગુરૂવારે પણ ચાર કિલોમીટરની યાત્રા કરશે. ભાજપે જણાવ્યું હતું કે, આ યાત્રા જિહાદી-લાલ આતંકવાદને નિશાન બનાવશે. અમિત શાહે દાવો કર્યો હતો કે, જ્યારથી પાર્ટી સત્તા પર આવી છે ત્યારથી તેમના સથા સંઘના કાર્યકરોની સીપીએમના સભ્યો દ્વારા હત્યા કરવામાં આવી રહી છે. વર્ષ ૨૦૦૧થી ફક્ત કન્નૂરમાં ૧૪ અને સમગ્ર કેરળમાં ૧૨૦ કાર્યકરોની હત્યા થઇ ચૂકી છે. તેમણેે જણાવ્યું કે ૧૨૦થી વધુ કાર્યકરો શહીદ થયા છે. તેમનો વાંક શું હતો. અમિત શાહે જણાવ્યું હતું કે, આ હત્યાઓમાં કેરળના મુખ્યમંત્રી પિનરઇ વિજયન સીધી રીતે સંડોવાયેલા છે. અમિત શાહની યાત્રાના કલાકો પહેલા જ પિનરઇ વિજયને ફેસબૂક પર ભાજપ સામે પ્રહાર કરતા જણાવ્યું હતું કે, નકલી પ્રોપેગંડા દ્વારા સંઘ પરિવાર કેરળમાં ફાવી શકશે નહીં. રાજ્ય સરકાર શાંતિ માટે કટિબદ્ધ છે. ખોટી વાતો ફેલાવાને બદલે કેન્દ્રીય મંત્રીઓ અને સત્તાધારી પક્ષના નેતાઓ તેમના કાર્યકરોને અંકુશમાં રાખે અને શાંતિ જાળવે.
અમિત શાહે કેરળમાં જનરક્ષા યાત્રા શરૂ કરતાં ભાજપની બસો પર પથ્થરમારો
કસારગોડ, તા. ૩
ભાજપના અધ્યક્ષ અમિત શાહે પયન્નૂરમાં જનરક્ષા યાત્રાની શરૂઆત કરતા ઉત્તરી કેરળમાં તંગદિલી વ્યાપી હતી. યાત્રા માટે ભાજપના કાર્યકરોને લઇ જતી બસો પર નિલેશ્વરમના પલ્લીક્કરામાં પથ્થરમારો કરાયો હતો. ભાજપે આ પથ્થરમારાનો આરોપ સીપીએમના કાર્યકરો પર લગાવ્યો હતો. ભાજપે આરોપ લગાવ્યો હતો કે, સાંસદ કરૂણાકરનના હાઇવે પર આવેલા ઘર નજીક ત્રણ બસો પર પથ્થરમારો કરાયો હતો. એક બસના આગળના કાચ તૂટી ગયા હતા જ્યારે બીજી બસના બારીના કાચ તૂટ્યા હતા. દરમિયાન ભાજપના જિલ્લા અધ્યક્ષ કે શ્રીકાંત પલ્લિક્કરા પહોંચી ગયા હતા અને ધરણા કર્યા હતા જેના કારણે એક કલાક સુધી ટ્રાફિક જામ થયો હતો. તેમણે જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં પોલીસે કોઇ સુરક્ષા આપી નથી. સોમવારે રાતે પણ ભાજપા કાર્યકરોને સીપીએમના કાર્યકરો દ્વારા માર મારવાની ફરિયાદો થઇ હતી. જનરક્ષા યાત્રા પહેલા રાષ્ટ્રીય હાઇવે પર ભાજપના કાર્યકરો માર્કેટ અને ઇમારતો પર ઝંડા ફરકાવી રહ્યા હતા ત્યારે સીપીએમના સભ્યોએ તેમને માર માર્યો હોવાું કહેવાય છે.