(એજન્સી) તા.૩૧
સમાજવાદી પાર્ટીમાં બે વિધાન પરિષદના સભ્યોએ રાજીનામું આપી દીધા બાદ ખળભળાટ મચી જવા પામ્યો હતો ત્યારે ભાજપ અધ્યક્ષ અમિત શાહે લખનૌમાં પાર્ટીના એક યાદવ કાર્યકર્તાના ઘરે બપોરનું ભોજન કર્યું હતું. ત્રણ દિવસના લખનૌની યાત્રાએ આવેલા શાહે બીજા દિવસે ગોમતીનગરના મોટા જુગાલી વિસ્તારમાં સોનુ યાદવ નામના ભાજપના કાર્યકર્તાના ઘરની મુલાકાત લીધી અને ભોજન કર્યું હતું. તેમની સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય તથા ડો. દિનેશ શર્માએ પણ ભોજન કર્યુ હતું. યાદવ સમાજે સપાની મુખ્ય વોટબેન્ક ગણવામાં આવે છે એવામાં શાહ દ્વારા આ જાતિના કાર્યકર્તાના ઘરે ભોજન કરવાથી યાદવ વોટ બેન્કને ભાજપ તરફ આકર્ષવાના પ્રયાસરૂપે જોવામાં આવી રહ્યું છે. લાગી રહ્યું છે કે અમિત શાહે હવે યુપીમાં પણ સપામાં ભંગાણ પાડી યાદવ સમાજને ભાજપ તરફ આકર્ષિત કરવા માટે મિશન યાદવ લોન્ચ કરી દીધું છે. સપાના નેતૃત્વમાં બે ફાંટાને કારણે ભાજપને સતત ફાયદો થઇ રહ્યો છે. સપા સંસ્થાપક મુલાયમસિંહ યાદવ જ્યાં તાજેતરમાં સંપન્ન રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ભાજપના એનડીએના ઉમેદવાર રામનાથ કોવિંદને ટેકો આપતા દેખાય છે ત્યાં સપા ધારાસભ્ય શિવપાલ યાદવે મીડિયાને કહ્યું કે તેમણે પણ કોવિંદને જ વોટ આપ્યો છે. સપાના ધારાસભ્ય બુક્કલ નવાબ અને યશવંત સિંહ તથા ઉચ્ચ સદનમાં બસપાના સભ્ય ઠાકુર જયવિર સિંહે કાલે સદનમાંથી રાજીનામું આપી દીધું હતું. ભાજપના મુખ્યમંત્રી યોગી, ઉપમુખ્યમંત્રી કેશવ મૌર્ય અને દિનેશ શર્મા તથા મોહસીન રજાની પ્રદેશ વિધાનમંડળે કોઇ સદનની સભ્યતા વિશે જલદી નિર્ણય કરવાનો છે. તે મંત્રી રાજ્ય વિધાનમંડળના કોઇપણ સદનના સભ્ય નથી. એવામાં વિધાન પરિષદ સભ્યોના રાજીનામાના ઘટનાક્રમને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. શાહની ત્રણ દિવસની લખનૌની યાત્રા શરુ થઈ ગઇ છે. આ દરમિયાન તે પાર્ટીના જુદા જુદા વિભાગો તથા પ્રકોષ્ઠોના નેતાઓ તથા કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી રહ્યાં છે. તે આજે ભાજપને અપરાજિત બનાવવાનું આહ્‌વાન કરી ચૂક્યા છે.