(એજન્સી) કોલકાતા, તા. ૧૫
તૃણમુલ કોંગ્રેસના નેતા ડેરેક ઓબ્રાયને ભાજપના અધ્યક્ષ અમિત શાહને જુઠ્ઠા ગણાવ્યા હતા જેમણે કોલકાતામાં રોડ શો દરમિયાન થયેલી હિંસા બદલ મમતા બેનરજીને જવાબદાર ગણાવ્યા હતા.તેમણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે, ચૂંટણીઓમાં ખડકાયેલા કેન્દ્રીય દળો ભાજપ સાથે મળેલા છે. ટીએમસી પ્રવક્તા ડેરેક ઓબ્રાયને પત્રકાર પરિષદ કરતા ભાવુક થઇ ગયા અને જણાવ્યું કે, મેં ઘણી બધી પ્રેસ કોન્ફરન્સ કરી છે પરંતુ આ પ્રેસ કોન્ફરન્સ મારા માટે સૌથી દુઃખભરી છે. ભાજપે બંગાળમાં તોફાન કરવા બહારથી લોકો બોલાવ્યા હતા જેમણે કોલકાતામાં ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરની પ્રતીમાને ખંડિત કરી હતી.
પત્રકાર પરિષદમાં વીડિયો દેખાડતા ટીએમસી નેતાએ કહ્યું કે, કેન્દ્રીય પોલીસ દળ બંગાળમાં ભાજપની સાથે કામ કરી રહ્યું છે (અહીં તેમણે એક વ્યક્તિને સૈનિકના પોષાકમાં દેખાડી હતી). કેન્દ્રીય પોલીસ દળો ભાજપના ઉમેદવારો સાથે પોલિંગ બૂથમાં જાય છે. તેઓ લોકોને ભાજપને મત આપવાનું કહે છે. આ પહેલા પત્રકાર પરિષદ કરીને અમિત શાહે જણાવ્યું હતું કે, હિંસાના અહેવાલો સવારથી જ હતા પણ પોલીસે કોઇ કાર્યવાહી કરી ન હતી. તેમણે સાથે જ જણાવ્યું કે ટીએમસીના લોકોએ જ જુઠ ફેલાવવા માટે મૂર્તિ તોડી હતી. અમિત શાહે કહ્યું કે, છ તબક્કામાં બંગાળ સિવાય ક્યાંય હિંસા નથી થઇ. મમતાજી કહે છે કે, ભાજપ હિંસા કરી રહ્યું છે. મમતાજી ૪૨ બેઠકો પર લડી રહ્યા છે અમે તો દેશભરમાં ચૂંટણી લડી રહ્યા છીએ. કોઇ અન્ય જગ્યાએ તો હિંસા નથી થઇ. એટલે સ્પષ્ટ છે કે, ટીએમસીના લોકો હિંસા કરી રહ્યા છે. લોકતંત્રની હત્યા કરવામાં આવી છે. એક પત્રકારના સવાલના જવાબમાં અમિત શાહે જણાવ્યું હતું કે, ગઇકાલે અહીં સીઆરપીએફ ના હોત તો મારૂં અહીંથી બચીને જવું મુશ્કેલ હતું. આ સાથે જ અમિત શાહે જણાવ્યું હતું કે, અમારા પોસ્ટર અને બેનરો ફાડી નાખવામાં આવ્યા. અમારા કાર્યકરોની ઉશ્કેરણી કરવામાં આવી. ત્યારે પણ અમારા કાર્યકરો ચૂપ રહ્યા, બેથી અઢી લાખ લોકો રોડ શો માટે આવ્યા હતા. આ હુમલો ત્રણ વખત કરાયો, પહેલા પથ્થરોથી, પછી કેરોસીન અને ત્યારબાદ ઓઇલથી હુમલો કરવામાં આવ્યો હતો. સવારથી જ અહેવાલ હતા કે, કોલેજમાંથી યુવકો હુમલો કરી શકે છે. પણ પોલીસે કોઇ કાર્યવાહી કરી ન હતી. ટીએમસીના લોકો કહે છે કે, ભાજપના લોકોએ ઇશ્વરચંદ વિદ્યાસાગરની પ્રતીમા તોડી હતી. ઘણા બધા ફૂટેજ છે અને કોલેજનું ગેટ પણ તૂટ્યું નથી.