અમદાવાદ, તા.૧૭
ભાજપ અધ્યક્ષ અમિત શાહ અમદાવાદની સેશન્સ કોર્ટમાં સોમવારે નરોડા પાટિયા કેસમાં માયા કોડનાની તરફે બચાવ પક્ષના સાક્ષી તરીકે હાજર રહી જુબાની આપશે. ભાજપ અધ્યક્ષ જૂની હાઈકોર્ટ ખાતે આવેલ સેશન્સ કોર્ટમાં સવારે ૧૧ વાગે પોતે સાક્ષી તરીકે હાજર રહેશે. સ્પેશિયલ કોર્ટના જજે સ્પષ્ટપણે કહ્યું હતું કે, જો અમિત શાહ હાજર નહીં રહે તો એ ફરીથી સમન્સ ઈસ્યુ કરશે નહીં. છેલ્લા બે પ્રસંગોએ કોડનાની અમિત શાહને સમન્સ બજાવી શકી ન હતી. કોડનાનીનો દાવો છે કે, ર૮મી ફેબ્રુઆરી ર૦૦રના દિવસે એટલે જે દિવસે હત્યાકાંડની ઘટના બની હતી તે દિવસે એ ધારાસભામાં હાજર હતી તે વખતે અમિત શાહ એમની સાથે હતા. એ પછી સોલા હોસ્પિટલ ગઈ હતી ત્યાં પણ અમિત શાહ એમની સાથે હતા. કોડનાની આ માટે અમિત શાહની જુબાની ઈચ્છે છે. જેથી આ હકીકત પૂરવાર કરી શકાય અને કોડનાની નિર્દોષ સાબિત થઈ શકે. એ દિવસના હત્યાકાંડમાં ૧૧ વ્યક્તિઓના મોત થયા હતા જેના એક દિવસ પહેલાં ગોધરા ખાતે ટ્રેનમાં પ૯ વ્યક્તિઓની હત્યા કરાઈ હતી. કોડનાનીને અન્ય કેસમાં ર૮ વર્ષની સજા થયેલ છે.