(એજન્સી) નવી દિલ્હી, તા. ૩૧
નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે ગુરૂવારે શપથ લીધા હતા અને શુક્રવારે અમિતશાહ ભારતના નવા ગૃહ પ્રધાન બની ગયા. મોદી અને શાહ વચ્ચે શ્રેષ્ઠ કેમિસ્ટ્રી છે. વર્ષો સુધી બંનેએ એક યુનિટ તરીકે કામ કર્યુ છે. અમિતશાહ મોદી કેબિનેટમાં સામેલ થતા હવે બંને માટે ચિંતાજનક બાબત શું હોઇ શકે છે. નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા બાદ રાજનાથસિંહે કેબિનેટ પ્રધાન તરીકે હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા હતા. ત્યાર પછી ભાજપના પ્રમુખ અમિતશાહે શપથ લીધા હતા. કેબિનેટની રચના થયા પહેલા આ વખતે અમિતશાહ મોદી સરકારમાં સામેલ થશે કે કેમ ? અથવા તેઓ ભાજપના પ્રમુખપદે ચાલુ રહેશે, એ બાબતે રહસ્ય હતું પરંતુ હવે તેઓ દેશના ગૃહ પ્રધાન બની ગયા છે. અમિત શાહના નેતૃત્વમાં ભગવો આગળ વધ્યો છે. ૨૦૧૪માં ભાજપ સત્તામાં આવ્યો અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પરંતુ અમિત શાહ મોદી સરકારમાં સામેલ થયા ન હતા. જોકે, ૨૦૧૭માં તેઓ રાજ્યસભાના સભ્ય બની ગયા હતા. તેમણે ભાજપના સંગઠનના માળખાને મજબૂત બનાવ્યું અને વિભિન્ન પ્રદેશોમાં ભાજપનું વિસ્તરણ કર્યું. અરૂણ જેટલી અને સુષમા સ્વરાજના ગયા બાદ પીએમ મોદીને તેમની કેબિનેટમાં વફાદાર અને અનુભવીની જરૂર હતી, તેથી એક દાયકાથી પણ વધુ સમય સુધી ખાસ વિશ્વાસુ રહેલા અમિતશાહ કરતા વધુ બહેતર કોણ હોઇ શકે છે.