(એજન્સી) તા.૬
ભાજપ અધ્યક્ષ અમિત શાહે વારાણસીમાં ભગવા પાર્ટીના ૪૦૦૦ જેટલા સોશિયલ મીડિયા સ્વયંસેવકોને સંબોધિત કરી તેમની પાસે ર૦૧૯ની ચૂંટણીમાં ભાજપને વિજયી બનાવવાનો સંકલ્પ લેવડાવ્યો હતો. પરંતુ આ કાર્યક્રમ ભાજપ અને અમિત શાહ માટે મુંઝવણનું કારણ બની ગયું હતું. આ કાર્યક્રમ દરમ્યાન વહેંચવામાં આવેલા ફૂડ પેકેટો માટે ભાજપના સોશ્યલ મીડિયા સ્વયંસેવકોએ ખૂબ જ ધક્કા-મુક્કી કરી હતી કેટલાંક તો મારપીટ પર ઉતરી આવ્યા હતાં. આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ જતા ભાજપના નેતાઓ માટે આ વિશે ખુલાસો કરવાનું મુશ્કેલ બની ગયું હતુ. એક ન્યુઝ એજન્સીએ પોસ્ટ કરેલા આ વીડિયોમાં સ્પષ્ટ રીતે દેખાતુ હતું કે પોતાને શિસ્તબદ્ધ પાર્ટી ગણાવતી ભાજપના સોશિયલ મીડિયા સ્વયંસેવકો કેટલી હદે ગેરશિસ્ત ઊભી કરે છે. સ્વયંસેવકોની મારપીટમાં કેટલાક ફૂડ પેકેટસ ફાટી પણ ગયા હતાં. આ ઉપરાંત ફૂડ પેકેટ જમી લીધા પછી ભાજપના સ્વયંસેવકોએ વડાપ્રધાન મોદીના સ્વચ્છ ભારત અભિયાનની મજાક ઉડાડતા એટલી હદે ગંદકી ફેલાવી હતી કે સમગ્ર કાર્યક્રમ સ્થળ ફૂડ પેકેટસનો કચરો તેમજ ફેંકી દેવાયેલા ખોરાકથી ઉભરાઈ પડ્યું હતું.