(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૧૩
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપસિંહ સૂરજેવાલા, મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણ અને ઉત્તરપ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ, રાજ બબ્બરે આજરોજ અમદાવાદમાં કોંગ્રેસ સમિતિ ખાતે સંયુક્ત પત્રકાર પરિષદનું સંબોધન કરી મોદી અને અમિત શાહને જય શાહના મુદ્દે આડે હાથ લીધા હતા. મોદી એક તરફ ખાતો નથી અને ખાવા દેતો નથીની વાતો કરે છે બીજી તરફ તેમની જ નાક નીચે અમિત શાહના પુત્ર જય શાહનો વેપાર બુલેટ ટ્રેન આવતા પહેલાં જ તેની ગતિએ વધી રહ્યો છે. ભારતીય અર્થવ્યવસ્થા મોદીની નીતિઓને લીધે દેવાળું કાઢી રહી છે જ્યારે જય શાહ દિવાળી મનાવી રહ્યા છે. આ અંગે દેશ મોદી અને અમિત શાહના જવાબની રાહ જોઈ રહ્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ટેમ્પલ એન્ટરપ્રાઈઝ પ્રા.લિ. જે અમિત શાહની પત્ની તેમના પુત્ર જય શાહ અને પુત્ર વધૂની કંપની છે. તે એવો તો કયો અને કેવો વેપાર કરતી હતી કે એક જ વર્ષની અંદર તેમનો વેપાર ૧૬,૦૦૦ ગણો વધી ગયો ? ર૦૧ર-૧૩ અને ર૦૧૩-૧૪માં ખોટ કરતી કંપની ભાજપાની સરકાર બનતા જ એક વર્ષમાં ૧૬,૦૦૦ ગણો એટલે કે ૧૬ લાખ ટકા વેપાર વધી ગયો ? વર્ષ ર૦૧૩-૧૪ સુધી કંપનીનું દેવું માત્ર ૧.૩ કરોડ હતું. છતાં ભાજપાની સરકાર બનતા જ એક જ વર્ષમાં આ કંપનીને કયા માપદંડના આધારે ૪૦૦૦ ટકા એટલે કે પ૩.૪ કરોડ રૂપિયા આપવામાં આવ્યા ? અને એવું તો કયું કારણ હતું કે ૧૬,૦૦૦ ગણો વેપાર કરનારી આ કંપનીને ઓક્ટોબર ર૦૧૬માં ખોટ કરતી દર્શાવી બંધ કરવાની નોબત આવી ! શું આવકવેરા ખાતાની જવાબદારી નથી કે આવી શંકાસ્પદ પરિસ્થિતિમાં બંધ થયેલી કંપનીને નોટિસ આપી તપાસ કરે ? પ્રજા એ પણ જાણવા માંગે છે કે આ કંપની માત્ર એક રૂમની ઓફિસમાં ચાલતી હતી જેનું ભાડું રૂા.૮૦ લાખ કઈ રીતે ?
આ પ્રશ્નો ઉઠાવી સૂરજેવાલાએ જણાવ્યું હતું કે કોઈ કંપનીનો વેપાર ૧૬,૦૦૦ ગણો વધતો હોય અને બીજા જ વર્ષે આ કંપની ખોટ કરે છે તેવું દર્શાવી બંધ કરી દેતો શું આવી કંપનીને ઈન્કમટેક્ષ વિભાગ કે ઈડીની તપાસનો સામનો કરવો પડે કે નહીં તો પછી જય શાહની કંપની પર આવી કૃપા દૃષ્ટિ કેમ ! જય શાહની કંપની ટેમ્પલ એન્ટરપ્રાઈઝના ખાતામાં પ૧ કરોડ રૂપિયા વિદેશોથી આવ્યા છે ત્યારે પ્રજા જાણવા માંગે છે કે એવો કયો વેપાર કયા દેશ સાથે કરવામાં આવ્યો કે કંપનીના ખાતામાં આટલી મોટી રકમ આવી ?
તેમણે વધુમાં જણાવ્યું હતું કે KISF ફાઈનાન્સ સર્વિસ કે જે નોન બેંન્કિંગ ફાઈનાન્સિઅલ સર્વિસ કંપની છે. આ કંપની દ્વારા જય શાહની કંપનીને રૂા.૧પ.૭૮ કરોડ રૂપિયાની અનસિક્યોર્ડ લોન આપવામાં આવી હતી, આ ફાઈનાન્સ કંપનીના માલિક રાજેશ ખંડવાલા છે જે અંબાણી ગ્રુપના ગુજરાતના કર્તા ધર્તા પરિમલ નથવાણીના વેવાઈ છે અને આજ પરિમલ નથવાણીને રાજ્યસભામાં ભાજપની મદદથી ઝારખંડમાં બીજીવાર ચૂંટ્યા હતા. ત્યારે શું જય શાહની કંપનીને લોન આપતા પહેલાં આરબીઆઈના કાયદા મુજબ પરમિશન લેવામાં આવી હતી.
આ ઉપરાંત કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓએ જય શાહની કંપનીનું આટલું મોટું કૌભાંડ બહાર આવ્યું છતાં ભારત સરકારના કાયદા મંત્રાલય દ્વારા એક ખાનગી વ્યક્તિનો બચાવ કરતા હોય તેમ સરકારના સિનિયર એડવોકેટ એડિશનલ સોલિસિટર જનરલ તુષાર મહેતાને તેમના વકીલ બનવાની મંજૂરી આપવામાં આવે છે. એ પણ જય શાહની કંપની વિરુદ્ધ અખબારોમાં અહેવાલ છપાયાના બે દિવસ અગાઉ આવું કઈ રીતે ? એવો પ્રશ્ન ઉઠાવી તેમણે રાષ્ટ્રહિતમાં અને પ્રજાની માંગ મુજબ તમામ આરોપોની સત્યતા ચકાસવા નિષ્પક્ષ તપાસની માંગ કરી હતી. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અગ્નિપરીક્ષા છે કે તેઓ મિત્રતા કે પક્ષીય રાજનીતિનો પક્ષે રહેશે કે સત્ય અને નૈતિકતાનો સાથ આપશે.