(એજન્સી) તા.૧૭
કોંગ્રેસ નેતા અને રાજ્યસભા સાંસદ બી.કે. હરિપ્રસાદે અમિત શાહના સ્વાસ્થ્યની મજાક ઊડાવી હતી. તેમણે વિવાદાસ્પદ ટિપ્પણી કરતા કહ્યું હતું કે, “કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકાર તોડવાના પ્રયત્નોને કારણે ભાજપ અધ્યક્ષને ડુક્કરની શરદી (સ્વાઈન ફ્લૂ) થઈ છે.” તેમણે આ પણ કહ્યું હતું કે, શાહે આવા પ્રયત્નોથી દૂર રહેવું જોઈએ. નહીંતર તેમની તબિયત વધારે બગડશે. ઉલ્લેખનીય છે કે, ભાજપ અધ્યક્ષ અમિત શાહ નાદુરસ્ત તબિયતના લીધે બુધવારે એઈમ્સમાં દાખલ થયા હતા, જ્યાં તેમને સ્વાઈન ફ્લૂ થયું હોવાનું નિદાન થયું હતું, તે હાલ એઈમ્સના ડાયરેક્ટર ડૉ.રણદીપ ગુલેરિયાની દેખરેખ હેઠળ છે. ભાજપે જણાવ્યું હતું કે, તેમનું સ્વાસ્થ્ય ઝડપથી સુધરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી ઓપરેશન લોટ્‌સ નામે કર્ણાટક સરકારને તોડી પાડવાની ક્વાયત ચાલી રહી છે. આ ક્વાયત પર નારાજગી વ્યક્ત કરતા હરિપ્રસાદે કહ્યું હતું કે, “અમારા ૬ ધારાસભ્યોનું અપહરણ કરી તેમને મુંબઈ લઈ જવામાં આવ્યા છે. ભાજપ અને આરએસએસ તેમના પર નજર રાખી રહ્યા છે. કેટલાક ધારાસભ્યો પરત આવી ગયા છે.”