ગાંધીનગર, તા.પ
ભાજપની પૂર્વ નેતા માયા કોડનાનીને ર૦૦રના ગુજરાત કોમી રમખાણો દરમિયાન બનેલ સામૂહિક નરસંહાર કેસમાં દોષી ઠેરવવામાં આવી હતી. એમણે જણાવ્યું છે કે એમણે શુક્રવાર સુધી ભાજપ અધ્યક્ષ અમિત શાહને એમની તરફેણમાં જુબાની આપવા બોલાવવાના છે. કોડનાનીની ટ્રાયલમાં અમિત શાહ છેલ્લા બચાવ પક્ષના સાક્ષી છે જેમની જુબાની હજુ બાકી છે. અન્ય સાક્ષીઓની ઉલટ તપાસ પણ થઈ ગઈ છે. કોડનાનીએ કહ્યું કે, અમિત શાહને કયા સરનામે સમન્સ બજાવવું એ નિર્ણય હું કરી શકતી નથી.
ર૦૧રના વર્ષમાં માયા કોડનાનીને ખૂનના કેસમાં દોષી ઠરાવી ર૮ વર્ષની સજા ફટકારાયેલ હતી. નરોડા પાટિયા નરસંહારમાં એમની ભૂમિકા પૂરવાર થઈ હતી. આ હત્યાકાંડમાં ૧૦૦ મુસ્લિમોના મોત ત્રણ દિવસ દરમિયાન થયા હતા. એ જ દિવસે અર્થાત ર૮-ર-ર૦૦રના રોજ બનેલ એક અન્ય ઘટનામાં પણ એ આરોપી છે જેમાં ૧૧ મુસ્લિમોની હત્યા કરાઈ હતી. આ કેસમાં એ અમિત શાહની જુબાનીની માગણી કરી રહેલ છે. કોડનાનીને ર૦૧૪માં જામીન મળ્યા હતા. સુપ્રીમકોર્ટે ગયા અઠવાડિયે કહ્યું હતું કે કેસની ટ્રાયલ ૪ મહિનામાં પૂર્ણ કરવામાં આવે. એપ્રિલ મહિનામાં કોડનાનીને અમિત શાહને સાક્ષી તરીકે બોલાવવાની પરવાનગી અપાઈ હતી. એમણે દાવો કર્યો હતો કે શાહની જુબાનીથી પૂરવાર થઈ જશે કે એ ઘટના સ્થળે હાજર ન હતી. જ્યારે રમખાણો થયા હતા ત્યારે એ અમિત શાહ સાથે ગુજરાત વિધાનસભામાં હાજર હતી અને એ પછી પોતાના દવાખાના ઉપર હાજર હતી.