(એજન્સી) નવી દિલ્હી, તા.૧૦
ભાજપના સહયોગી પાર્ટી શિવસેનાએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઇ કેન્દ્ર સરકારનો ખુલ્લીને વિરોધ કરી રહ્યાં છે પરંતુ કૉંગ્રેસના ભારત બંધમાં સામેલ થશે નહીં. આ એલાન રવિવારના રોજ પાર્ટીની તરફથી કરાયું. ત્યારબાદથી અંદાજ લગાવામાં આવી રહ્યો હતો કે આખરે એવું તે શું થયું કે એક દિવસ પહેલાં સુધી શિવસેનાએ આખા શહેરમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારાની વિરૂદ્ધ પોસ્ટર લગાવ્યા બાદ અચાનક બંધમાં સામેલ ન થવાનો નિર્ણય લીધો. કારણ? ભાજપ અધ્યક્ષ અમિત શાહે એક કૉલ કર્યો.
પાર્ટીના વરિષ્ઠ નેતાઓના મતે તેમાંથી કેટલાંય લોકોએ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને બંધમાં સામેલ ન થવાની ભલામણ કરી હતી પરંતુ અમિત શાહ અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની જેમ જ કૉલ આવ્યા બાદ પાર્ટીએ પોતાના સ્ટેન્ડમાં ફેરફાર કર્યાં. જો કે કૉંગ્રેસ-એનસીપીએ રાષ્ટ્રવ્યાપી આંદોલનમાં સામેલ થવા માટે શિવસેનાને અપીલ કરી છે.
રાજકીય નિષ્ણાતોનું કહેવું છે કે જો શિવસેના બંધમાં સામેલ થવા માટે નિર્ણય લે તો ભાજપ માટે એક મોટી શરમજનક વાત થાય કારણ કે ઉદ્ધવ ઠાકરેની શિવસેના સાથે કેન્દ્ર અને રાજ્ય બંને જગ્યાએ ભાજપની સાથે ગઠબંધનમાં છે.
તો બીજીબાજુ શિવસેનાના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે અમિત શાહની તરફથી ફોન આવ્યો હતો. સીએમ દેવેન્દ્ર ફડણવીસે પણ કૉલ કર્યો હતો. હવે અમે ખુલ્લેઆમ બંધને સમર્થન ન આપવાનો નિર્ણય લીધો છે. અમે જાતે જ પેટ્રોલના વધતા ભાવને લઇ આંદોલન કરી રહ્યાં છીએ અને ભાજપ સરકારની નીતિઓનો વિરોધ પણ કરી રહ્યાં છીએ.