(એજન્સી) બેંગ્લોર, તા. ૨
ભાજપ અધ્યક્ષ અમિત શાહે કર્ણાટકની કોંગ્રેસ સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સરકાર રાજ્યોત્સવને બદલ ટીપુ સુલતાનની જયંતિ પર વધારે ધ્યાન આપી રહી છે. બેંગ્લોરમાં નવા કર્ણાટક પરિવર્તન યાત્રા રેલીમાં ભાજપ કાર્યકરોને સંબોધિત કરતાં શાહે કહ્યું કે કર્ણાટક મહોત્વસને ભવ્ય થવાની ધારણા હતી પરંતુ રાજ્ય સરકાર તો ટીપુ સુલતાનને જયંતિ પર મનાવવા પર વધારે ધ્યાન આપી રહી છે. વોટબેન્ક રાજનીતિમાં રોકાયેલી રાજ્ય સરકારની ઝાટકણી કાઢતાં તેમણે કહ્યું કે ટીપુ જયંતિની ઉજવણી કરીને અને વોટ બેન્કનું રાજકારણ ખેલવાથી કર્ણાટક સરકારનો કોઈ લાભ નહીં થાય. કર્ણાટકની કોંગ્રેસ સરકાર પર હુમલો કરતાં તેમણે કહ્યું કે રાજ્ય સરકારે ભ્રષ્ટાચારના તમામ રેકોર્ડ તોડી નાખ્યાં છે. શાહે દાવો કર્યો કે એક સર્વેમાં તો રાજ્ય સરકારને દેશની સૌથી ભ્રષ્ટ સરકાર તરીકે દર્શાવવામાં આવી છે. તેમણે રાજ્ય ભાજપના અધ્યક્ષ બીએસ યેદિરપ્પાને સંભવિત મુખ્યમઁત્રી પદના ઉમેદવાર તરીકે ગણાવ્યાં. શાહે બીજો એક આક્ષેપ કરતાં કહ્યું કે રાજ્ય સરકારને કેન્દ્ર દ્વારા આપવામાં આવેલા ફંડનો દુરપયોગ થઈ રહ્યો છે અને તે લોકો સુધી પહોંચતું નથી. કર્ણાટકમાં સિદ્ધારમૈયાએ ટીપુ સુલતાનની ઉજવણી કરવાની જાહેરાત કરી છે તેનાથી ભાજપના પેટમાં તેલ રેડાયું છે. ભાજપે તેનો વિરોધ કરવાની વાત કરી છે. થોડા સમય અગાઉ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ કર્ણાટક વિધાનસભામાં ટીપુ સુલતાનના ભારોભાર વખાણ કર્યાં હતા. ચાલુ વર્ષના ઓકટોબર સુધીની શરૂઆતમાં કેન્દ્રીય રાજ્યકક્ષાના અનંતકુમાર હેગડેએ રાજ્ય સરકારને કહ્યું હતું કે ટીપુ સુલતાનની જયંતિની ઉજવણી કરવાના કાર્યક્રમમાં પોતાનું નામ સામેલ ન કરવામાં આવે. તેમણે મુખ્યમંત્રી સિદ્દારમૈયાએ પત્ર લખીને કહ્યું હતું કે ટીપુ કન્નડ અને હિન્દુ વિરોધી શાસક હતો. ટિપુની જયંતિ ઉજવણી કરવાને કારણે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ભાંગી પડી છે.