(એજન્સી) નવી દિલ્હી, તા. ૧
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ શનિવારે એવો દાવો કર્યો છે કે ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ વડાપ્રધાન હતા ત્યારે ૩ વાર સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી પરંતુ તેનો પ્રચાર કરવામાં આવ્યો ન હતો, એ સર્જિકલ સ્ટ્રાઇકને ગુપ્ત રાખવામાં આવી હતી પરંતુ વડાપ્રધાન મોદીએ સર્જિકલ સ્ટ્રાઇકને પણ રાજકીય સંપત્તિ બનાવી દીધી અને તેનાથી રાજકીય લાભ ઉઠાવ્યો. અમને જે કહેવામાં આવ્યું હતું અમે તે કર્યું પરંતુ મોદી અને ભાજપ ઉત્તર પ્રદેશમાં ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે તેમને ચૂંટણી હારી જવાનો ભય હતો તેથી તેમણે સર્જિકલ સ્ટ્રાઇકને રાજકી સંપત્તિ બનાવી દીધી. રાહુલ ગાંધીના નિવેદન અંગે પ્રતિક્રિયા આપતા ભાજપના પ્રમુખ અમિતશાહે જોધપુર જિલ્લાની એક જાહેર સભામાં જણાવ્યું કે રાહુલ ગાંધીએ દેશના શહીદોનું અપમાન કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના શહીદ થયેલા જવાનોનો બદલો લીધો. રાહુલ ગાંધી કહી રહ્યા હતા કે ઉત્તર પ્રદેશની ચૂંટણી જીતવા માટે અમે સર્જિકલ સ્ટ્રાઇક કરી… તમે દેશના શહીદોનું અપમાન કરી રહ્યા છો, તમારામાં તો હિમ્મત ન હતી. શાહે એવું પણ કહ્યું કે આજે સરહદે તૈનાત દરેક જવાનના દિલમાં એક ભરોસો છે કે મારી સરકાર મારી પાછળ એક ખડકની જેમ ઉભી છે. ભાજપ પ્રમુખે જણાવ્યું કે એકતરફ મોદીના નેતૃત્વમાં દેશભક્તોની ટીમ છે તો બીજીબાજુ રાહુલના નેતૃત્વમાંં સત્તાનો ઉપભોગ કરનારાઓની ટીમ છે, જેની પાસે ન તો નેતા છે અને ન નીતિ તેમ જ ન સિદ્ધાંત છે. કોંગે્રસ તરફથી રાજસ્થાનના મુખ્યપ્રધાનપદ માટે કોઇ નામની જાહેરાત નહીં કરવા અંગે કટાક્ષ કરતા અમિતશાહે જણાવ્યું કે જે સેનાનો સેનાપતિ જ નક્કી નથી, તે વિજય કેવી રીતે હાંસલ કરી શકે છે.