(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૫
શહેરના પુણા વિસ્તારમાં આજે યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા નોટબંધી દરમિયાન બેંકોમાં કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાના આક્ષેપો સાથે અમિત શાહનું પૂતળું બાળવાનો કાર્યક્રમ કર્યો હતો. યુથ કોગ્રેસના કાર્યકર્તાઓએ અમિત શાહનું પુતળું બાળ્યું હતું. પરંતુ આ સમયે જ તેઓને અટકાવવા ગયેલા એક પોલીસે કર્મચારીનું પેન્ટ સળગી ઉઠતા અફડાતફડી મચી જવા પામી હતી. પુણા પોલીસે કુલ ૨૦ જેટલાની અટકાયત કરી હતી. નોટબંધી દરમિયાન અમદાવાદની ડિસ્ટ્રીક્ટ બેંકમાં કરોડો રૂપિયાની જૂની નોટના બદવામાં નવી નોટો મેળવી કૌભાંડ કર્યું હોવાના આક્ષેપો સાથે યુથ કોંગ્રેસ દ્વારા ભારતભરમાં આજે અમિત શાહના પૂતળા દહનનો કાર્યક્રમ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ મુજબ સુરત યુથ કોંગ્રેસના પ્રમુખ પ્રદિપ ભરવાડ તથા પુણા વિસ્તારના કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ સાવલિયા સહિત ૨૦ થી વધુ કાર્યકર્તાઓ પુણા વિસ્તારમાં રસ્તા પર આવી અમિત શાહ અને બીજેપી વિરુદ્વમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. આ સાથે યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ અમિત શાહનું પૂતળું લાવી રસ્તા પર નાંખી પેટ્રોલ છાંટી દીધું હતુુંં. જોકે, આ દરમિયાન કાપોદ્રાનો અજગર અલી નામનો એક પોલીસ કર્મચારી ત્યાં પહોંચી પૂતળુ ખેચવાનો પ્રયત્ન કર્યો હતો. જેના કારણે તેના કપડાં પર પણ પેટ્રોલ પડ્યું હતું, અને આ દરમિયાન અચાનક જ એક કાર્યકરે દિવાસળી ચાંપી દેતા પૂતળાની સાથે પોલીસ કોન્સ્ટેબલ અજગર અલીનું પેન્ટ પણ સળગ્યું હતું. જેના કારણે અફડાતફડી મચી જવા પામી હતી. જોકે, સદનસીબે કોન્સ્ટેબલનો બચાવ થયો હતો. બનાવને પગલે પુણા પોલીસે પ્રદિપ ભરવાડ તથા કોર્પોરેટર દિનેશ સાવલિયા સહિત કુલ ૨૦થી વધું કાર્યકર્તાઓની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.