(એજન્સી)
નવી દિલ્હી, તા.ર૯
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભારતીય જનતા પાર્ટી (ભાજપા)ના અધ્યક્ષ અમિતશાહ પર અરાજકતા પેદા કરવાનો અને લોકોને સર્વોચ્ચ અદાલતના આદેશનું ઉલ્લંઘન કરવા માટે પ્રોત્સાહિત કરવાનો આરોપ મૂક્યો છે અને કહ્યું છે કે, આશા છે કે, સર્વોચ્ચ અદાલત આ અંગે હસ્તક્ષેપ કરશે. કેજરીવાલે આ પ્રહાર ટ્વીટ દ્વારા કર્યા હતા.
કેજરીવાલે ઉપરોક્ત પ્રતિક્રિયા અમિતશાહના તે નિવેદન પર આપી છે, જેમાં શાહે કહ્યું છે કે, સર્વોચ્ચ અદાલતે આવા નિર્ણયો ના આપવા જોઈએ કે જેને લીધે લોકોની ધાર્મિક લાગણીઓનો સંઘર્ષ ઊભો થાય અને તેને પાયાના સ્તરે લાગુ ના પાડવો જોઈએ. કન્નૂરમાં શાહે કહ્યું કે, ભાજપા અય્યપ્પાના ભક્તોના વિરોધ પ્રદર્શનનું સમર્થન કરશે. જો કેરળ સરકાર સબરીમાલા મંદિરની પરંપરાને બળજબરીથી બદલવાની કોશિશ કરે છે તો અમે સરકારને હાંકી કાઢવામાં સહેજપણ વિચાર કરીશું નહીં.
કેરળના સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશના સર્વોચ્ચ ન્યાયાલયના નિર્ણયની વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન કેસમાં ર૬ ઓક્ટોબરથી લઈને અત્યાર સુધીમાં કુલ ૩,૩૪પ લોકોની ધરપકડ થઈ ચૂકી છે. સમગ્ર રાજ્યમાં જુદા-જુદા પોલીસ સ્ટેશનોમાં પ૧૭થી વધુ કેસો દાખલ કરવામાં આવ્યા છે. અધિકારીઓએ આ જાણકારી આપી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી માત્ર ૧રર પ્રદર્શનકારીઓ રિમાન્ડમાં છે, જ્યારે અન્યોને જામીન પર મુક્ત કરી દેવામાં આવ્યા છે. સબરીમાલા તંત્રી પરિવારના સભ્ય અને કાર્યકર્તા રાહુલ ઈશ્વરની તિરૂવનંતપુરમમાં ધરપકડ કરવામાં આવી છે અને તેમને કોચ્ચિ લઈ જવામાં આવ્યા છે.
સબરીમાલા મંદિર મુદ્દે કેજરીવાલના BJP અધ્યક્ષ પર પ્રહાર : અમિત શાહ અરાજકતા પેદા કરી રહ્યા છે

Recent Comments