(એજન્સી) ગાઝિયાબાદ, તા.૧૩
ગાઝિયાબાદમાં હિન્દુ યુવા વાહિનીના એક નેતાની ગેરકાયદેસર હથિયારો અને મોટા પ્રમાણમાં પ્રતિબંધિત કારતૂસ જપ્ત કરીને બે સાથીઓ તેમજ ત્રણ સગીરો સહિત છની ધરપકડ કરી છે. એસએસપી વિભુ ક્રિષ્ને જણાવ્યું કે, ગાઝિયાબાદના મુરાદાનગર પોલીસ સ્ટેશનના હિસ્ટ્રીશીટર અમિત ત્યાગીનો બ્રહમાનન નિવાસસ્થાનેથી સ્કોર્પિયો, વરના, ૪ ફેક્ટરી પિસ્તોલ, લાયસન્સવાળી રિવોલ્વર, ૧૦૦ બુલેટ અને અન્ય પ્રતિબંધિત હથિયારો જપ્ત કરીને અન્ય બે સાથીઓમાં તેના ભાઈ જિતેન્દ્ર ત્યાગી અને અંગત સુરક્ષાકર્મી અમિશકુમારની ધરપકડ કરી છે. પોલીસે આ મામલે ત્રણ સગીર સહિત ૬ની ધરપકડ કરી છે. અહેવાલ મુજબ અમિત ત્યાગીના ભાઈ જિતેન્દ્ર ત્યાગીનો પુત્ર મોદીનગર સ્થિત મોદી પબ્લિક સ્કૂલમાં ધો.૧૦માં અભ્યાસ કરે છે. શિક્ષક દિવસના રોજ ધો.૧રના વિદ્યાર્થી સાથે તેનો ઝઘડો થયો હતો. આ ઝઘડામાં જિતેન્દ્રના પુત્રએ કથિત રીતે સ્કૂલના પ્રાંગણમાં ખુલ્લો ગોળીબાર કર્યો હતો. જિતેન્દ્રના પુત્ર અને તેના બે મિત્રોએ ૧૦ રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. આ અંગે માહિતી મળતા પોલીસ શાળામાં પહોંચી ગઈ હતી. પોલીસે ત્રણેય સગીરની ધરપકડ કરી હતી. સગીર વિદ્યાર્થીઓએ બચાવ માટે ઉપયોગમાં લીધેલ પિસ્તોલ ગેરકાયદે હોવાનું પોલીસને જાણમાં આવ્યું હતું. પોલીસે અમિશ પાસેથી લાયસન્સ રિવોલ્વર અને જિતેન્દ્ર અને અમિત બંને પાસેથી પિસ્તોલ જપ્ત કરી હતી અને અમિતના ઘર પર પાડેલા દરોડામાં એસએલઆર બુલેટ્‌સ, પિસ્તોલ, બે રિવોલ્વર અને અન્ય હથિયાર જપ્ત કર્યા છે. અમિત વિરૂદ્ધ અગાઉ આઈપીસી હેઠળ ઢગલાબંધ કેસો દાખલ કરાયા છે. હિસ્ટ્રી શીટર અમિત ત્યાગી હિન્દુ વાહિનીનો જિલ્લા જનરલ સેક્રેટરી છે.