અમદાવાદ, તા.૭
ગુજરાતમાં મુસ્લિમોને હાંંસિયામાંં ધકેલી દેવામાં આવ્યા છે. અત્યારે દરેક સમાજનો અવાજ સાંભળવામાં આવે છે પરંતુ મુસ્લિમોના પ્રશ્નોને મુદ્દે કોઈપણ પક્ષને પડી નથી ત્યારે અમે મુસ્લિમોના હક માટે ચૂંટણી લડીશું. જો કે ૧૭ વર્ષ સુધી લોકો અમને કોંગ્રેસના એજન્ટ કહેતા હતા. હવે અમે ભાજપના એજન્ટ છીએ તેવું કહે તો નવાઈ નહીં એમ રાષ્ટ્રીય ઉલ્મા કાઉન્સિલના રાષ્ટ્રીય અધ્યક્ષ આમીર રશાદી મદનીએ જણાવ્યું હતું. એમ કહીને તેમણે ભાજપને આડકતરૂ સમર્થન આપ્યું હતું. અમદાવાદમાં પત્રકાર પરિષદ યોજીને આમીર રશાદીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં પાટીદારોની અનામતની માંગ મુદ્દે હાર્દિક પટેલને સાંભળવામાં આવે છે પરંતુ પાટીદાર સમાજ તો સંપન્ન છે. તેમાં કેટલાક જ લોકો ગરીબ છે. બાકીના બધા પાટીદારો સંપન્ન છે. કહીને તેમણે પાટીદારોને અનામતના મુદ્દાને ગેરવાજબી ગણાવ્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં એક પાર્ટી બિનસાંપ્રદાયિકતા ઉપર ચૂંટણી લડે છે તો બીજી પાર્ટી વિકાસના નામે લવજેહાદ અને ગૌરક્ષાના નામે અત્યાચાર કરીને દેશની એકતા અને અખંડતાને ચૂર ચૂર કરી રહી છે. હાલની ચૂંટણીમાં જાતિવાદનું કાર્ડ રમાઈ રહ્યું છે. ત્યારે મુસ્લિમોને હાંસિયામાં ધકેલી દીધા છે. તેઓને દબાવી દેવામાં આવ્યા છે. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષ મુસ્લિમોને વસ્તી પ્રમાણે ૧૮ ટિકિટો ફાળવે તેવી અમારી માંગ છે. જો કે કહેવાતા ગુજરાત મોડેલમાં ઘણી બધી ખામીઓ છે. ત્યારે અમારી મુસ્લિમોને ૧૮ ટિકિટોની માંગને બન્ને પક્ષો સ્વીકારશે નહીં તો અમે રાષ્ટ્રીય ઉલ્મા કાઉન્સિલના નામે ગુજરાતમાં ચૂંટણી લડીશું. ત્યારે શું આ રીતે તમે ભાજપને સમર્થન કરો છો ? તેવા પ્રશ્નના જવાબમાં આમીર રશાદી મદનીએ જણાવ્યું હતું કે, ૧૭ વર્ષ સુધી અમને કોંગ્રેસના એજન્ટ કહેતા હતા. હવે ભાજપના એજન્ટ કહેશે તો અમને કોઈ વાંધો નથી. એમ જણાવી ભાજપને આડકતરૂ સમર્થન આપ્યું હતું. અત્રે નોંધનીય છે કે, ચૂંટણી ટાણે બિલાડીના ટોપની જેમ ઉગી નીકળતા રાજકીય પક્ષો પોતાના લાભ ખાતર ચૂંટણીમાં ઝંપલાવીને મતોનું ધ્રૂવીકરણ કરીને કોઈ ચોક્કસ પક્ષ અને ઉમેદવારને ફાયદો કરાવતા હોય છે પરંતુ પ્રજા પણ હવે જાગૃત બની ગઈ છે અને તેમના મતોને વેડફાતા બચાવવા હવે તેઓ પણ તેમને માઈન્ડસેટ કરેલા પક્ષ અને ઉમેદવારને મત આપે છે. ત્યારે અત્યાર સુધી ગુજરાતમાં જેનું નામ સુદ્ધાં કોઈ જાણતું નહતું તેવા ઉત્તરપ્રદેશના રાષ્ટ્રીય ઉલ્મા કાઉન્સિલને અચાનક ચૂંટણી ટાણે ગુજરાતના મુસ્લિમો કેવી રીતે યાદ આવી ગયા અને મુસ્લિમોના પ્રશ્નો અને તેમના પ્રતિનિધિત્વ મુદ્દે તેઓ મેદાનમાં આવી ગયા તે બાબત જ થોડામાં ઘણું બધું કહી જાય છે.
૧. જો મુસ્લિમની ૨૦% થી ૪૦% ધરાવતા મતવિસ્તારમાં બિનસાંપ્રદાયક પક્ષમાંથી ઊભા રહેલ ઉમેદવાર સામે કોઈ મુસ્લિમ ઉમેદવાર ઊભો રહેશે તો મુસ્લિમ મત વહેચાઇ નહિ જાય ?
૨. ગુજરાતમાં એક પણ સીટ છે કે જ્યાં ફક્ત મુસ્લિમ મત મેળવી કોઈ ઉમેદવાર ચૂંટણી જીતી શકે ?
૩. ૧૯૮૯ની વિધાનસભા ચૂંટણી સમયે જનતા દળ અને ભાજપ વચ્ચે સમજૂતી મુજબ જનતા દળને ફક્ત ૨ સીટ મળેલ પરંતુ મુસ્લિમ સમાજનો વિરોધ થતાં સમાધાન તૂટી પડેલ અને છેવટે જનતા દળમાંથી એકેય ઉમેદવાર જીતી શકેલ નહિ ! હાલ જે ૨ મુસ્લિમ એમ.એલ.એ. ચૂંટાયેલા છે તેઓ પણ માંડ ૩ હજાર મતથી જીત્યા છે તો શું ૨-૩ મુસ્લિમ ઉમેદવાર ઊભા કરી ગુજરાતને મુસ્લિમ વિધાયકમુક્ત બનાવવવાના છે ?