(એજન્સી) તા.ર૭
તાજેતરમાં જ સીબીઆઈ કોર્ટે રામ-રહીમને દોષી ઠેરવી દીધો છે. જેના બાદથી સમગ્ર હરિયાણામાં ભારે હિંસા જોવા મળી રહી છે. પરંતુ આ કેસનો ખુલાસો ક્યારે થયો તેના વિશે અમે તમને પીડિતાના માંેઢે જ તેની જુબાની એક પત્રમાં લખી હતી તે જણાવી રહ્યા છે. પીડિત સાધ્વીએ આ પત્ર પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને ર૦૦રમાં સંબોધતા લખ્યો હતો. ગુરમીત રામ-રહીમના ડેરામાં રહેલી સાધ્વીના અજાણ્યા પત્રને સિરસાના પત્રકાર રામચંદ્ર છત્રપતિએ ર૦૦રમાં તેમના અખબાર પૂરા સર્ચમાં પ્રકાશિત કર્યો હતો જેના બાદ આ ઘટના સામે આવી હતી. અહીં અમને તમને એ પત્ર વિશે જણાવી રહ્યા છે…
સેવામાં,
માનનીય વડાપ્રધાન શ્રી,
શ્રી અટલ બિહારી વાજપેયી, ભારત સરકાર
વિષય : ડેરાના મહારાજ દ્વારા સેંકડો છોકરીઓ પર દુષ્કર્મ કરવાની તપાસ કરો.
શ્રીમાનજી,
હું પંજાબની વતની છું અને હવે પાંચ વર્ષથી ડેરા સચ્ચા સોદા સિરસા, હરિયાણા (ધન-ધન સતગુરૂ તેરા હી આસરા)માં સાધ્વી તરીકે કામ કરું છું. મારી સાથે અહીં સેંકડો છોકરીઓ પણ ડેરામાં ૧૬થી ૧૮ કલાક સેવા કરે છે. અમારું અહીં શારીરિક શોષણ કરાઈ રહ્યું છે સાથે જ ડેરાના મહારાજ ગુરમીતસિંહ દ્વારા દુષ્કર્મ કરાઈ રહ્યું છે.
હું બીએ પાસ છું, મારા પરિવારના સભ્યો મહારાજના અંધશ્રદ્ધાળુ છે જેમની પ્રેરણાથી હું ડેરામાં સાધ્વી બની હતી. સાધ્વી બન્યાના બે વર્ષ બાદ એક દિવસે મહારાજ ગુરમીતના પરમ શિષ્યા સાધુ ગુરૂજોતે રાતે ૧૦ વાગ્યે મને જણાવ્યુંં કે તમને પિતાજીએ ગુફા (મહારાજના રહેવાના સ્થળ)માં બોલાવ્યા છે.
હું પ્રથમ વખત ત્યાં જઈ રહી હતી એટલે ઘણી ખુશ હતી. એ જાણીને કે આજે જાતે પરમાત્માએ મને બોલાવી છે. ગુફામાં ઉપર જઈને જ્યારે મેં જોયું તો મહારાજ બેડ પર બેઠા છે. હાથમાં રિમોટ છે સામે ટીવી પર બ્લૂ ફિલ્મ ચાલી રહી છે. બેડ પર ઉપર તરફ રિવોલ્વર મૂકી રાખી છે.
હું જોઈને અચરજ પામી ગઈ. મને ચક્કર આવવા લાગ્યા. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. આ શું થઈ રહ્યું છે. મહારાજ આવા હશે ? આવું મેં સપનામાં પણ નહોતું વિચાર્યું. મહારાજે ટીવી બંધ કર્યું તથા મને સાથે બેસાડી પાણી પીવડાવ્યું અને કહ્યું કે તેમણે મને પોતાની ખાસ પ્રિય સમજીને ત્યાં બોલાવી છે.
મારો આ પ્રથમ દિવસ હતો, મહારાજે મને પકડતા કહ્યું કે, હું તને દિલથી ચાહું છું. તારી સાથે પ્રેમ કરવા માંગું છું. કેમ કે તમે અમારી સાથે સાધ્વી બનતી વખતે તમારું તન-મન-ધન બધું સતગુરૂને અર્પણ કરવા કહ્યું હતું. તો હવે આ તન-મન બધું અમારું છે. મેં વિરોધ કર્યો તો તેમણે કહ્યું કે તેમાં કોઈ શંકા નથી કે અમે જ ભગવાન છીએ. જ્યારે મેં પૂછ્યું કે શું આ ભગવાનનું કામ છે તો તેમણે કહ્યું કે….
૧. શ્રીકૃષ્ણ ભગવાન હતા, તેમને ત્યાં ૩૬૦ ગોપીઓ હતી જેમની સાથે તે દરરોજ પ્રેમલીલા કરતા હતા તેમ છતાં લોકો તેમને પરમાત્મા માને છે, આ કોઈ નવી વાત નથી.
ર. જો હું ચાહું તો રિવોલ્વરથી તારા પ્રાણ લઈ અહીંયા જ તારું દાહસંસ્કાર કરી શકું છું. તારા પરિજનો મારા એવા અંધ ભક્ત છે કે તે મારી ગુલામી કરે છે. તે અમારો વિરોધ નહીં કરે એ તું સારી રીતે જાણે છે.
૩. મારી સરકારમાં બહુ ચાલે છે. હરિયાણા, પંજાબના મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રીઓ મારા ચરણસ્પર્શ કરે છે. રાજનેતાઓ અમારો ટેકો ઈચ્છે છે. પૈસા લે છે અને અમારો ક્યારેય વિરોધ નહીં કરે. અમે તમારા પરિવારના નોકરી કરતા લોકોને બરતરફ કરાવી દઈશું. દરેક સભ્યોને ગુંડાઓ દ્વારા મોતને ઘાટ ઉતારી દઈશું. પુરાવા પણ નહીં મળે. એ તું સારી રીતે જાણે છે કે અમે ગુંડાઓની મદદથી ડેરાના મેનેજર ફકીર ચંદને પણ મોતને ઘાટ ઉતારી દીધો હતો જેમની કોઈ ભાળ મળી નથી. ન કોઈ પુરાવો છે. જો કે પૈસાના જોરે અમે ન્યાય, પોલીસ અને રાજનેતાઓને પણ ખરીદી શકીએ છીએ.
આવી રીતે તેણે મારા પર દુષ્કર્મ કર્યું અને ગત ત્રણ મહિનામાં ર૦-૩૦ દિવસ બાદ કરાય છે.
આજે મને ખબર પડી કે મારા પહેલા અનેક છોકરીઓ અહીં આવતી હતી. તેમની સાથે પણ આ દુષ્કર્મ કરાયું. ડેરામાં હાજર ૩પ-૪૦ સાધ્વી ૩પ-૪૦થી વધુ ઉંમર ધરાવે છે જે લગ્નની ઉંમરથી આગળ નીકળી ગઈ છે. જેમણે સમય સાથે સમાધાન કરી લીધું છે. તેમાં મોટાભાગની છોકરીઓ બીએ, એમએ, બીએડ, એમફિલ પાસ છે પરંતુ ઘરવાળાના અંધવિશ્વાસને લીધે નર્ક જેવું જીવન જીવી રહી છે. અમને સફેદ કપડા, માથે દુપટ્ટો, કોઈ પુરૂષ તરફ આંખો ન ઉપાડવી, પુરૂષથી પ-૧૦ ફૂટ દૂર રહેવાનો મહારાજે આદેશ આપ્યો છે. દેખાવમાં અમે દેવી છીએ પણ અમારી સ્થિતિ ગણિકાઓ જેવી છે. મેં પરિજનોને આ અંગે જાણ કરી તો તેમણે કહ્યું કે ડેરામાં ભગવાનના ઘરે બધું અયોગ્ય છે તો બીજે ક્યાં યોગ્ય છે. તું સતગુરૂનું સ્મરણ કર્યા કર. હું મજબૂર છું. અહીં સતગુરૂનો આદેશ માનવો પડે. કોઈપણ બે છોકરી એકબીજા સાથે વાત ન કરી શકે. ઘરવાળાને ટેલિફોન ન કરી શકો. મહારાજનો આ આદેશ છે કે ઘરવાળાનો ફોન આવે તો અમારે વાત નહીં કરવાની. જો કોઈ છોકરી ડેરાના આ સત્ય વિશે કોઈને જણાવે તો મહારાજનો આદેશ છે કે તેને મારી નાખો.
ગત દિવસોમાં ભઠિંડાની સાધ્વીએ મહારાજના કાળા કામનો ખુલાસો કર્યો તો અનેક સાધ્વીઓને મળીને તેને માર માર્યો. જે આજે પણ તેના કારણે ઘરે પથારીવસ થઈ ગઈ છે. જેના પિતા સેવાદારોથી નામ કપાવી ચૂપચાપ ઘરે બેઠા છે. જે ઈચ્છા છતાં બદનામી અને મહારાજના ડરથી કોઈને સત્ય જણાવતી નથી. એક કુરુક્ષેત્ર જિલ્લાની છોકરી છે તે સેવા છોડી ઘરે આવી ગઈ છે. તેણે પરિજનોને સત્ય જણાવી દીધું તો તેનો મોટો સેવાદાર હતો તેણે બહેન સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા છે.
સંગગુરૂ જિલ્લાની પણ એક છોકરીએ પરિજનોને આ હકીકત જણાવી તો ડેરાના સેવાદારો અને ગુંડાઓ બંદૂક લઈને તેના ઘરે આવી ગયા. ઘરની અંદર લઈ જઈ દરવાજો બંધ કરી તેને જાનથી મારી નાખવાની ધમકી આપી.
આવી જ રીતે માણસા, ફિરોજપુર, પટિયાલા, લુધિયાણામાં ઘટનાઓ બની છે. જ્યાં છોકરીઓ ઘરે જઈને જીવને ખતરો હોવાનું જણાવી ચૂકી છે. તમારાથી અનુરોધ છે કે, આ તમામ છોકરીઓ સાથે મને પણ મારા પરિવાર સાથે રહેવાથી જાનથી મારી નાખવાની ધમકી અપાઈ રહી છે. જો હું મારું નામ સરનામું લખીશ તો જીવીત નહીં રહીશ. હું ચૂપ ન બેસી શકું અને મરવા પણ માંગતી નથી.