(એજન્સી) નવી દિલ્હી, તા. ૭
ભાજપની આજથી શરૂ થનારી રથયાત્રા પર પશ્ચિમ બંગાળ સરકાર બાદ કલકત્તા હાઇકોર્ટે પણ રોક લગાવી દીધી છે. રથયાત્રાની મંજૂરી સરકાર અને હાઇકોર્ટ દ્વારા નહીં મળ્યા બાદ અમિત શાહે પત્રકાર પરિષદ કરીને મમતા બેનરજી પર પ્રહાર કરતા જણાવ્યું છે કે, તેઓ બીજેપીથી ડરી ગયા છે. મમતા બેનરજીએ જેટલી તાકાત લગાડવી હોય તેટલી લગાવી લે, અમે રથયાત્રા તો કાઢીને જ રહીશું અને આ માટે જોરદાર લડત આપીશું. તેમણે આરોપ લગાવ્યો હતો કે, બંગાળમાં માફીયાઓનું રાજ થઇ ગયું છે. ઉલ્લેખનીય છે કે, અમિત શાહ પોતે શુક્રવારે કૂચબિહારથી રથયાત્રાને લીલીઝંડી આપવાના હતા.
અમિત શાહે કોલકાતામાં પત્રકાર પરિષદ યોજીને કહ્યું હતું કે, ભાજપના વિસ્તાર માટે રથયાત્રા ૭ ડિસેમ્બર, ૯ ડિસેમ્બર અને ૧૪ ડિસેમ્બરે યોજાવાની હતી. અમે તંત્ર પાસેથી માહિતી માગી હતી. ૨, ૧૨ અને ૨૦ નવેમ્બરે અમે રિમાઇન્ડર મોકલ્યું હતું. પછી ૧૪, ૨૦ અને ૨૩ નવેમ્બરે પોલીસને રિમાઇન્ડર મોકલાયા પરંતુ અમને પરવાનગી અપાઇ નહીં. કલકત્તા હાઇકોર્ટે ગુરૂવારે ભાજપને કૂચબિહારથી રથયાત્રા કાઢવાની પરવાનગી આપી ન હતી. આ પહેલા પશ્ચિમ બંગાળ સરકારે પરવાનગી આપવાનો ઇન્કાર કરતા કહ્યું હતું કે આનાથી કોમવાદી હિંસા ફાટી શકે છે. એવું માનવામાં આવતું હતું કે, રથયાત્રાને પશ્ચિમ બંગાળમાં પાર્ટીનું સૌથી મોટું અભિયાન ગણવમાં આવતી હતી. અમિત શાહે મમતા બેનરજી પર પ્રહાર કરતા કહ્યું કે, બંગાળમાં લોકતંત્ર પર દમન થઇ રહ્યું છે. મમતા બેનરજી લોકતંત્રનું ગળું ટૂંપી રહી છે. બંગાળની અંદર જે રીતે તૃણમુલનું કુશાસન ચાલ્યું છે તે બાદ અમે જે અવાજ ઉઠાવ્યો તેનાથી મમતાજી ડરી ગયા છે. તેમને ડર છે કે, આ યાત્રા બાદ સમગ્ર બંગાળમાં પરિવર્તનની લહેર દોડશે. તેથી તેમણે યાત્રા રોકી દીધી છે. પંચાયત ચૂંટણીઓમાં એટલી હિંસા થઇ જેટલી ડાબેરીઓના શાસનમાં પણ નથી થઇ. આ હિંસામાં ભાજપના ૨૦ કાર્યકરોની હત્યા થઇ, ૧૩૪૧ કાર્યકરો ઘાયલ થયા અને કુલ ૬૫થી વધુ રાજકીય હત્યાઓ થઇ છે. મુખ્યમંત્રી જણાવે કે આ કેસોના સ્ટેટસનું શું થયું. પોલીસ અને ટીએમસી મળીને હત્યાઓ કરાવી રહ્યા છે. બે કરોડ મતદાતાઓને વોટ નાખવાનો અધિકાર જ નથી મળ્યો. તેમ છતાં અમે બંગાળમાં વધુ બેઠકો જીત્યા છીએ. પંચાયત ચૂંટણીઓ બાદ મમતાજીની ઉંઘ ઉડી ગઇ છે તેથી યાત્રાને પરવાનગી આપતા નથી. પશ્ચિમ બંગાળમાં માફીયા સક્રીય છે, તૃણમુલના મંત્રી માફીયાઓને શરણ આપી રહ્યા છે. રાજકીય હત્યાઓમાં બંગાળ ઘણા વર્ષોથી આગળ છે. દશેરા અને અન્ય તહેવારોમાં અહીં વોટબેંકની રાજનીતિ થાય છે. તૃષ્ટીકરણને કારણે તંત્ર ખોખલું થઇ ગયું છે. બંગાળમાં સૌથી વધુ માનવ તસ્કરીના બનાવો બને છે. મમતા આવી યાત્રાઓને રોકશે તો લોકોમાં ગુસ્સો વધશે. હું યાત્રા કરવા જઇશ અને છેક સુધી લડત આપીશું.