(એજન્સી) નવી દિલ્હી, તા.ર૧
ચાલુ વર્ષે ર૦મી માર્ચના રોજ બિહારની કઠિહાર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના બોયઝ હોસ્ટેલમાં સંદિગ્ધ સંજોગોમાં મૃત હાલતમાં મળી આવેલા ડો. ફૈયાઝ આલમના પરિવારે આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ કરવાની માગણી કરી હતી. ડો. આલમના કુટુંબે ન્યાયની માગણી કરતા આરોપ લગાવ્યો હતો કે, કોલેજના મેનેજિંગ ડિરેક્ટર અને રાજ્યસભાના સાંસદ ડો. અશફાક કરીમના દબાણ હેઠળ પોલીસ આ હત્યા મામલે ઢીલી તપાસ કરી રહી છે. અહીં યોજાયેલી એક પત્રકાર પરિષદમાં પોતાના પુત્ર સાથે ફોન પર છેલ્લી વખત થયેલી વાતને યાદ કરતા સિતારા બેગમે જણાવ્યું હતું કે, ૧૯મી માર્ચના રોજ મારા પુત્રએ મને કહ્યું હતું કે “તમે જાણતા નથી, અમ્મી અહીં મારા ઘણા બધા દુશ્મનો છે, મેં જ્યારે તેને દુશ્મનો વિશે પૂછ્યું તો તેણે કહ્યું કે, તમે તેમને ઓળખતા નથી. ત્યારબાદ હું રડવા લાગી અને તે ઊંઘી ગયો હશે તેવું સમજી તેને ફરી ફોન કર્યો હશે તેવું સમજી તેને ફરી ફોન કર્યો ન હતો. ત્યારબાદ સવારે નવ વાગ્યે મને ફૈયાઝના સિનિયર નિહાલનો ફોન આવ્યો કે ફૈયાઝની તબિયત સારી નથી. હું જ્યારે અહીં પહોંચી ત્યારે મેં જોયું કે, મારો પુત્ર કોલેજના ઈમરજન્સી વોર્ડમાં મૃત હાલતમાં પડ્યો છે. ડો. ફૈયાઝની માતાએ જણાવ્યું હતું કે હવે મારી પાસે જીવવાનું કોઈ કારણ નથી. મારો પુત્ર આ દુનિયામાંથી જતો રહ્યો છે. મેં ન્યાય માટે ઘણા દરવાજા ખખડાવ્યા. કોલેજ મેનેજમેન્ટમાંથી કોઈએ પણ અમને મારા પુત્રના મોત અંગેના સમાચાર ન આપ્યા. મેં મારા પુત્રને અશફાક કરીમના હવાલે કરી દીધો હતો. તેમણે મને ક્યારેય ન કહ્યું કે, મારા પુત્ર સાથે શું થઈ રહ્યું છે ? અને તેના હત્યારા કોણ છે ? મારા પુત્રએ શું કર્યું હતું ? મારા એકના એક પુત્રની હત્યા થઈ ગઈ છે. હું મારા પુત્ર માટે ન્યાયની માગણી કરું છું. ૩૧ વર્ષીય ફૈયાઝ મેડિકલ કોલેજના ફાઈનલ વર્ષમાં રેડિયોલોજી પોસ્ટ ગ્રેજ્યુએશનમાં અભ્યાસ કરી રહ્યા હતા. ર૦મી માર્ચે તેમણે બેચેની થતી હોવાની ફરિયાદ કરી હતી. ત્યારબાદ ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરાતા તેમને મૃત જાહેર કરાયા હતા. ડો. ફૈયાઝના મામા આમીર ઓમરોને ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦ર અને ૩૪ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. પણ હજુ સુધી ફાઈનલ રિપોર્ટ સુપરત કરાયો નથી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ જણાવવામાં આવ્યું હતું કે, ડો. ફૈયાઝના માથાના ભાગે ઈજાઓના નિશાન છે અને માથા તથા ગરદનમાં લોહીના ગઠ્ઠા જામી ગયા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં માથામાં ઈજાના કારણે મૃત્યુ થયું હોવાનું જણાવાયું હતું. ડો. ફૈયાઝ મૂળ બિહારના ગોપાલગંજ જિલ્લાના વતની હતા તેમના બનેવી તાસીર હુસેને જણાવ્યું હતું કે, તેમણે આ મામલે ચાર વખત બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર સમક્ષ રજૂઆત કરી, બે વખત રાજ્યપાલ સત્યપાલ મલિક સમક્ષ રજૂઆત કરાઈ એટલું જ નહીં. માનવ અધિકાર પંચ, રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓને પણ રજૂઆત કરાઈ છતાં પરિણામ શૂન્ય રહ્યું હતું. હુસૈને જણાવ્યું હતું કે અમે આ મામલે તપાસ કરવા સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ રચવાની માંગ કરીએ છે. બીજી તરફ ર૪ એપ્રિલના રોજ મેડિકલ કોલેજના ડિરેક્ટર અને રાજદના રાજ્યસભાના સાંસદ ડો. અશફાક કરીમે બદનક્ષીનો આરોપ લગાવી પીડિત કુટુંબને કાનૂની નોટિસ ફટકારી હતી.