(એજન્સી) તા.ર૧
જ્યારે કર્ણાટક ચૂંટણીના પરિણામ આવવાની શરૂઆત થઇ તો ભાજપના કાર્યકર્તાઓ સહિત સમગ્ર દેશમાં ભાજપના ટેકેદારો ઉજવણી કરી રહ્યા હતા. પરંતુ જ્યારે અંતિમ પરિણામમાં બહુમતી ના મળી તો ઠેર ઠેર વાતાવરણ પલટાઇ ગયું. તેમ છતાં ભાજપના અધ્યક્ષ અમિત શાહે જ્યારે પોતાના હઠાગ્રહ પરથી કર્ણાટક યેદ્દિયુરપ્પાની સરકાર રચવાનો દાવ રમ્યો તો ભાજપની શાખ જાણે લોકોની નજરે નીચી જતી રહી. કેમ કે ભાજપને બહુમત મળ્યો ન હતો પરંતુ તેણે રાજ્યપાલ વજુભાઇ વાળાની મદદથી ૧પ દિવસનો સમય લઈને સરકાર રચવા દાવ રમી નાખ્યો. પરંતુ કોંગ્રેસ પહેલાથી જ તેનો દાવ રમીને જેડીએસને ટેકો આપી ચૂકી હતી એટલા માટે તેમને પાસે બહુમત પણ હતો છતાં સરકાર રચવાની તક ન મળતાં તે સુપ્રીમની શરણે રાતે બે વાગ્યે પહોંચી ગઇ અને સવારના ૪ઃ ૪પની આસપાસ નિર્ણય આવ્યો કે યેદ્દિ સરકાર રચે પણ ૪૮ જ કલાકમાં બહુમતી સાબિત કરે અને આ નિર્ણય ભાજપને ભારે પડી ગયો. યેદ્દિ બહુમત સાબિત કરવાનો ૧૦૧ ટકા દાવો કરી ગયા અને છેવટે રાજીનામું આપીને પીછેહઠ પણ કરી ગયા. ભાજપને હાથ તો આયા પણ મુંહ ના લગા જેવો હાલ થયો અને સરકાર બનાવેલી બે દિવસમાં પડી ગઈ. હવે જેડીએસ નેતા કુમારસ્વામી કોંગ્રેસના ટેકાથી સરકાર રચવાના છે ત્યારે ભાજપ આશા રાખી બેઠું છું કે જેડીએસ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનમાં પરસ્પર વિરોધને કારણે તેને ફરી લાભ થશે અને તે તક મેળવીને ફરી સરકારમાં આવવાનો પ્રયાસ કરશે. તેને કમબેક કરવાની તક મળી જશે. ભાજપના નેતા કહી રહ્યા છે કે અમે લડાઇ તો હારી ગયા પરંતુ અમે યુદ્ધ તો જીતવાના જ છીએ એવી ટિપ્પણી કરી રહ્યાં છે. તેમણે આ ટિપ્પણી ર૦૧૯ની લોકસભા ચૂટણીના સંદર્ભમાં કરી હતી.