ભરૂચ,તા.રર
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના નાહિયેર ગામના લોકોએ ભાજપાના ઉમેદવાર એવા છત્રસિંહ મોરી સામે ભારે વિરોધ જોવા મળી રહ્યો છે.
જંબુસર વિધાનસભા બેઠક ઉપર ભાજપા દ્વારા ફરિયાદ છત્રસિંહ મોરીને રિપીટ કરવામાં આવતા પહેલા જ તેમનો વિરોધ થતો હતો અને ભારે આંતરિક વિરોધ અને વાદવિવાદ બાદ ભાજપાએ છત્રસિંહ મોરીને ફરી રિપીટ કરતા જ આંતરીક વિરોધ જોવા મળ્યો હતો જેમાં માજી મંત્રી ભાજપાના અગ્રણી ખુમાનસિંહ વાંસિયાએ પ્રજાના કહેવાથી અપક્ષ ઉમેદવારી કરી હોવાની વાત કરી છે. જયારે અન્ય બે ભાજપાના અગ્રણીએ પણ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.
જયારે આજે આમોદ તાલુકાના નાહિયેર ગામ ખાતે ગ્રામજનોએ ભાજપા ગો બેક અને ભાજપાના કોઈપણ કાર્યકર્તા કે ઉમેદવારે ગામમાં પ્રવેશ કરવો નહીં. જેવા બેનરો ગામાં લગાવ્યા હતા અને ભાજપાના ઉમેદવાર એવા છત્રસિંહ મોરીનો ખુલ્લો વિરોધ કર્યો હતો.
નાહિયેર ગામના સરપંચ એવા મધુસુદનભાઈના કહેવા મુજબ છત્રસિંહ મોરી અમારા ગામમાં પાણી પુરૂ પાડી શકયા નથી ખેડૂતોની ગ્રામજનોની સમસ્યાને દુર કરવામાં સદંતર નિષ્ફળ ગયા હોવાથી તેઓનો ખુલ્લો વિરોધ કર્યો હતો સાથે બીજા દસ ગામોમાં પણ ભાજપાના ઉમેદવાર છત્રસિંહ મોરીનો વિરોધ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.