(એજન્સી) તા.૩
તાજેતરમાં તેલંગાણામાં એક ર૬ વર્ષીય યુવતી સાથે સામૂહિક બળાત્કાર અને હત્યા વિરૂદ્ધ જનાક્રોશ સડકો પર ઉતરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. દેશભરના લોકો એવી માગણી કરી રહ્યા છે કે આરોપીઓને મૃત્યુદંડની સજા આપવામાં આવે. આ દરમિયાન દિલ્હી મહિલા પંચનાં અધ્યક્ષ સ્વાતી માલિવાલ પણ પીડિતાને ન્યાય આપવાની માગણી સાથે મંગળવારથી જંતર-મંતર પર આમરણ ઉપવાસ પર બેસી ગયા હતા. જો કે, દિલ્હી પોલીસે તેમને ઉપવાસ પર બેસતા રોકવા માટે બધા જ પ્રયત્નો કર્યા હતા. સ્વાતી માલિવાલે ટ્વીટ કરી પોલીસના વલણ સામે રોષ ઠાલવ્યો હતો. તેમણે ટ્્વીટ કર્યું હતું કે, પોલીસ અમને જંતર-મંતર પર બેસવા દેતા નથી. સમગ્ર રાત્રી દરમિયાન પોલીસે જંતર-મંતરની આસપાસ બેરિકેડ ખડકી દીધા હતા અને ત્યાં ટેન્ટ, માઈક તેમજ ટોઈલેટ લગાવવા દીધા ન હતા. તેઓ કહી રહ્યા છે કે અમને ઉપવાસ પર બેસવા નહીં દેવામાં આવે. શું આ દેશમાં એક મહિલા શાંતિથી ઉપવાસ પણ કરી શકતી નથી. આ પહેલાં માલીવાલે વડાપ્રધાન મોદીને પત્ર લખી તેમના ઉપવાસ કરવાના નિર્ણયની જાણ કરવાની સાથે સાથે મહિલા સુરક્ષા માટે કેટલીક માગણીઓ પણ કરી હતી. આમાં તેમણે વડાપ્રધાને લખ્યું છે કે હું આશા રાખુ છુ કે તમે પોતાની દીકરીઓની ચીસો વધુ દિવસો સુધી અનસુની નહિ કરો. સ્વાતિએ આ પત્રમાં કહ્યુ છે કે, ‘માત્ર કાયદો બનાવી દેવો પૂરતો નથી, તેને લાગુ પણ કરવો પડશે. આપને ભલામણ છે કે તત્કાલ બધા રેપિસ્ટોને ૬ મહિનામાં ફાંસીની સજાનો કાયદો લાગુ થાય અને આના માટે જરૂરી તંત્ર પણ શરૂ કરવામાં આવે. આ તંત્રને લાગુ કરવા માટે અમુક માંગો પૂરી કરવી ઘણી જરૂરી છે તેને મનાવવા માટે હું આજથી અમરણાંત ઉપવાસ પર બેસીશ. જ્યાં સુધી મારી માંગો પૂરી નહિ થાય ત્યાં સુધી હું ઉપવાસ નહિ તોડુ.’ આમાં સ્વાતિએ ૬ માંગો પણ રાખી છે જેવી કે – ‘નિર્ભયાના દોષિતોને તરત જ ફાંસીની સજા આપવામાં આવે, બળાત્કારીઓને ૬ મહિનામાં ફાંસી થાય, દેશના બધા રાજ્ય પોલિસને પૂરતા પોલિસકર્મી આપવામાં આવે, બધા જિલ્લામાં ફાસ્ટ ટ્રેક કોર્ટ બને, મહિલા સુરક્ષા માટે નિર્ભયા ફંડનો ઉપયોગ થાય, પોલિસની જવાબદેહી નક્કી કરવામાં આવે.’ સ્વાતિએ આમાં લખ્યુ છે કે દિલ્લી મહિલા પંચે ૫૫ હજાર કેસમાં સુનાવણી કરી છે. ૨.૧૫ લાખ કૉલ્સ ૧૮૧ હેલ્પલાઈન પર અટેન્ડ કર્યા,૭૫ હજાર ગ્રાઉન્ડ વિઝિટ કરી, ૩૩ હજાર કોર્ટ કેસમાં પીડિતાઓની મદદ કરી, ૧૧ હજાર કાઉન્સેલિંગ સેશન કર્યા અને ૨૦૦થી વધુ સૂચનો કેન્દ્ર તેમજ રાજ્ય સરકારોને આપ્યા છે.
હૈદરાબાદ સામૂહિક બળાત્કાર અને હત્યા : દિલ્હી મહિલા પંચનાં અધ્યક્ષ આમરણ ઉપવાસ પર બેઠાં

Recent Comments