(સંવાદદાતા દ્વારા) અમરેલી, તા.૨૯
લીલિયામાં ૫ વર્ષ પહેલાં ૧૭ વર્ષીય યુવાનનું કિડનેપ કરી તેની હત્યા કરવાના બનાવમાં કાચા કામના કેદી તરીકે જેલમાં રહેલ આરોપી વચગાળાના જામીન ઉપર છુટ્યા બાદ છેલ્લા અઢી વર્ષથી નાસતો ફરતો હોઈ જે આરોપીને એલસીબીએ સુરતમાંથી ઝડપી લીધો હતો. આ અંગે મળતી વિગતો અનુસાર અમરેલી જિલ્લાના લીલિયા ગામે ગત તા.૧/૧૦/૨૦૧૩ના રોજ શિક્ષક તરીકે નોકરી કરતા ગીરીશકુમાર મણિશંકર ત્રિવેદીના ૧૭ વર્ષીય પુત્ર ઋષિકેશનું તેના પુત્રના જ મિત્રો દ્વારા અપહરણ કરી તેની ૩૫ લાખની ખંડણી માંગી બાદમાં તેની હત્યા કરી દેવાના બનાવમાં પુત્રના મિત્રો સહિત ૪ સામે લીલિયા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. જે બનાવમાં કાચા કામના કેદી તરીકે જેલમાં રહેલ વિજય શામજીભાઇ ધામતને નામ.ગુજરાત હાઇકોર્ટમાંથી દિન-૧૫ વચગાળાની જામીન રજા મળતાં તે રજા ઉપર જેલમાંથી મુક્ત થયા બાદ તા.૧૨/૦૨/૧૬ના રોજ અમરેલી જેલમાં હાજર થવાનું હતું. પરંતુ જેલમાં હાજર થયેલ નહીં અને છેલ્લા બે-અઢી વર્ષથી નાસતો ફરતો હતો. આ વચગાળાની જામીન રજા પરથી નાસતો ફરતો આરોપી વિજય શામજીભાઇ ધામતને સુરત કામરેજ ચાર રસ્તા મુકામેથી ચોક્કસ બાતમી આધારે ઝડપી લઇ બે અઢી વર્ષથી નાસતો ફરતો કાચા કામના કેદીને પકડી પાડવામાં અમરેલી એલસીબીએ સફળતા મેળવી છે.