અમરેલી, તા.૧૩
અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નોટબંધીના અવિચારી અને મનસ્વી તેમજ વડાપ્રધાનના આપખુદ નિર્ણયના ૨ વર્ષ પુરા થયે ધરણા અને વિરોધ પ્રદર્શન યોજાયેલ હતું.આતંકવાદને નાથવા, કાળું નાણું નાબૂદ કરવા તેમજ નકલી ચલણી નોટો નાબૂદ કરવાના જણાવાયેલ નોટબંધીના ઉદેશો પૈકી એકપણ ઉદેશ સિદ્ધ થયો નથી. તેનાથી વિપરીત નવી ચલણી નોટો છાપવાનો રૂા. ૭,૯૬૫ કરોડનો ખર્ચ થયો આ તઘલખી નિર્ણય હકીકતમાં તો લઘુ-મધ્યમ ઉદ્યોગ ક્ષેત્રને મરણતોલ ફટકો પડ્યો, કુટીર ઉદ્યોગ નાશ થવાના આરે આવી ગયો રોજીંદી આવકવાળા કરોડો લોકોએ રોજગારી ગુમાવી. ભારતીય અર્થતંત્રને જીડીપી વિકાસના ૧.૫%નું નુકસાન થયું અને આ સરમુખત્યારી નિર્ણયથી ૧૦૦ લોકોએ જીવ ગુમાવ્યો અને પરિણામ વિનાશકારી આવ્યું.
જેથી તેના વિરોધમાં આજરોજ જિલ્લા કોંગ્રેસ સમિતિ અમરેલી દ્વારા ધરણા અને વિરોધ પ્રદર્શન યોજાયેલ હતું આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ રવજીભાઈ વાઘેલા, શહેર પ્રમુખ લલિત ઠુંમર, તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીશ ભંડેરી, જિલ્લા પંચાયત સદસ્યો, નગરપાલિકા સદસ્યો તથા કોંગ્રેસ કાર્યકરો જોડાયા હતા.