અમદાવાદ, તા.૧૭
અમદાવાદ શહેર સહિત રાજયભરમાં મેઘરાજાએ આજે વિરામ લઇ છૂટાછવાયા વરસાદની મહેર કરી હતી. આજે અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં છ ઇંચ જેટલો વરસાદ ખાબકતાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. અમરેલી પંથકમાં આજે વરસાદી મહેર થતાં ખેડૂતો અને સ્થાનિક પ્રજાજનો રાજીના રેડ થઇ ગયા હતા કારણ કે, છેલ્લા ઘણા સમયથી અમરેલીવાસીઓ મેઘરાજાના આગમનની રાહ જોઇને બેઠા હતા. અમરેલીમાં આજે ખાસ કરીને ગ્રામ્ય પંથકોમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. તો, રાજકોટના ગોંડલમાં બે કલાકમાં ચારથી પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબકતાં ઘણા વિસ્તારો અને ગામોમાં પાણી ભરાઇ ગયા હતા. રાજકોટના કેટલાક વિસ્તારોમાં પણ આજે ધીમી ધારે વરસાદ ચાલુ રહ્યો હતો. તો ઉમરગામ તાલુકા, કપરાડા, માંડવીમાં ચાર ઇંચ અને મોરવાહડફમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. બીજીબાજુ, રાજયના ઘણા ભાગોમાં આજે વરસાદી જોર ઓછુ થઇ જતાં લોકોએ પણ ઘણી રાહત અનુભવી હતી. તો, તંત્ર અને બચાવ ટીમોએ પણ તેમની રાહત અને મદદની કામગીરી તેજ બનાવી હતી. જો કે, કચ્છના અબડાસામાં હજુ પણ પરિસ્થિતિ વિકટ છે. આજે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્રના પંથકોમાં વરસાદી જોર ઘણું ઓછુ થઇ જતાં વરસાદી પાણી ઓસર્યા હતા. જો કે, હજુ પણ કેટલાક વિસ્તારોમાં વરસાદી અતિવૃષ્ટિની વ્યાપક અસરો જોવા મળી રહી છે. ગોંડલ પંથકના દેરડીકુંભાજી, વાસાવડ, મેતાખંભાળીયા, મોટી ખિલોરી, વિંઝીવડી સહિતના અનેક ગામોમાં બે કલાકમાં જ ચારથી પાંચ ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાયો હતો. જેના કારણે રસ્તાઓ પણ ત્રણથી ચાર ફુટ પાણી ભરાઇ ગયા હતા. ગોંડલના વીરપુરમાં પણ આજે એક કલાકમાં એક ઇઁચ જેટલો ધોધમાર વરસાદ પડયો હતો જ્યારે અમરેલી જિલ્લામાં ખાસ કરીને સાવરકુંડલા, લાઠી, લીલીયા, બાબરા, ચમારડી સહિતના પંથકોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને પગલે અમરેલી પંથકના વિસ્તારોમાં રોડ-રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. ચમારડી અને બાબરામાં તો સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. વરસાદી મેઘતાંડવ અને જળપ્રલયની સ્થિતિ બાદ હવે ઠેર-ઠેર તબાહી અને તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે, સામાન્ય માણસથી લઇ ઢોરઢાંખર અને મૂંગા અબોલ પશુઓની હાલત પણ કફોડી અને દયનીય બની રહી છે. જો કે, સરકારી તંત્ર અને બચાવ ટીમો દ્વારા હવે પૂરગ્રસ્ત વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચલાવી લાપતા માણસો અને ઢોરઢાંખરની શોધખોળ આદરી છે અને બચાવ-મદદ કામગીરી અસરગ્રસ્તો સુધી પહોંચાડવાની કામગીરી પૂરજોશમાં ચલાવી છે.