અમરેલી, તા.૨૧
અમરેલી શહેર સહિત જિલ્લામાં આજે બપોર બાદ વરસાદે જોરદાર એન્ટ્રી કરતા જિલ્લાના રાજુલામાં ૨ કલાકમાં ૫ ઈંચ વરસાદ પડતા પાણી ફરી વળ્યા હતા તેમજ અમરેલી શહેરમાં અને તેના ગ્રામ્ય વિસ્તારોમાં પણ જોરદાર ચાર ઇંચ જેટલો વરસાદ પડતા પાણી ભરાયા હતા. અમરેલી જિલ્લાના કણકોટ ગામની પ્રાથમિક શાળામાં પાણી ભરાતા શાળાના ૬ શિક્ષકો ફસાયા હતા. જેમને ગામના લોકોએ બચાવી લીધા હતા જ્યારે સ્મશાન નજીકથી એક વ્યક્તિને પાણીમાં ફસાતા એનડીઆરએફની ટીમે બચાવી લીધો હતો. ચક્કરગઢ ગામે ચેક ડેમમાં પાણી ઓવરફ્લો થતા ગામમાં બે બે ફૂટ પાણી ભારત લોકોમાં દહેશત ઊભી થઇ હતી. જો કે પાણી ઓસરતાં લોકોમ ચિંતા ઓછી થઇ હતી,જયારે જિલ્લાના લાઠી લીલીયા તેમજ બગસરામાં પણ ચાર ઇંચ જોરદાર વરસાદ પડતા આ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાયા હતા. બગસરામાં સતલડી નદીમાં પૂર આવ્યું હતું જ્યારે રાજુલામાં ધોધમાર બે કલાકમાં ૫ ઇંચ વરસાદ પડવાથી નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોના ઘરમાં પાણી ભરાયા હતા. આજના વરસાદમાં જિલ્લાનું એક પણ ગામ વરસાદથી વંચિત રહ્યું ન હતું. જિલ્લાના અન્ય તાલુકામાં જોઈએ તો બાબરા,ધારીમાં ૨ ઇંચ વરસાદ પડેલ હતો તેમજ જાફરાબાદ, ખાંભા, સાવરકુંડલામાં એક ઇંચ ઉપર વરસાદ પડેલ હતો જ્યારે વડિયામાં માત્ર બે કલાકમાં આઠ ઈંચ વરસાદ ખાબકતા સર્વત્ર પાણી પાણી થઈ ગયું છે.
વરસાદની સાથે સાથે
ઃ-ધારી સરસિયા વેકરાળ નદીમાં પૂર
ઃ-ખોડિયાર ડેમમાં પાણી આવક શરૂ
ઃ-અમરેલી સાવરકુંડલા હાઇવે બંધ
ઃ-અમરેલીની વડેરા ગામની નદીમાં પૂર આવતા નદીના પાણી ગામમાં ઘૂસ્યા
ઃ-લીલિયાની નાવલી નદી બે કાંઠે વહેતી થઇ
ઃ-બગસરા સાતલડી નદીમાં પૂર
ઃ-લીલિયાના નાવલી બજારમાં દુકાનોમાં પાણી ઘૂસ્યા
ઃ-લીલિયા, અમરેલી રોડ બંધ, વડિયા-કુંકાવાવ રોડ બંધ, ખાંભા-રાજુલા રોડ બંધ, ખાંભા-ચલાલા રોડ બંધ તેમજ ખાંભા-સાવરકુંડલા રોડ બંધ થયા હતા.
ઃ-લાઠીની રંઘોળા નદી ઓવરફ્લો ૩૦ જેટલા ગામને ચેતવણી ૩૦૦ લોકને સલામત ખસેડ્યા દામનગર અને રંઘોળા વચ્ચે નદીમાં યુવક બાઈક સાથે તણાયો યુવકનો બચાવ
ઃ- અમરેલીના કેરિયાચાડ ગામમાં ૨૦૦ જેટલા મકાનોમાં પાણી ઘૂસ્યા, ખાંભાની માલણ નદીમાં પૂર આવ્યું.