અમરેલી, તા.૫
અરબી સમુદ્રમાં લક્ષદીપ પાસે ઉદભવેલ અને ગુજરાતમાં પ્રવેસેલ ઓખી નામના વાવાઝોડાને લઇ અમરેલીમાં ગઇરાત્રીથી વાતવરણ પલટાયું હતું અને રાત્રિથી આજે સાંજ સુધી સામાન્ય વરસાદ સાથે ઠંડો પવન ફુંકાયો હતો. જેના કારણે અમરેલી શહેર સહિત જિલ્લામાં વાતાવરણ ઠંડુગાર બન્યું હતું. જેના કારણે લોકોએ રેઇનકોટ અને જર્સીનો સહારો લીધો હતો. અમરેલીમાં આજે જાણે કાશ્મીર બન્યું હોઈ તેમ ઠંડુ વાતાવરણ બન્યું હતું. જેના કારણે લોકોએ ઘરમાંથી નીકળવાનું ટાળ્યું હતું અને શહેરમાં કર્ફ્યું લાગ્યું તેમ કોઈ ફરકતું જોવા મળ્યું ન હતું. ઓખી નામના વાવાઝોડાને કારણે વૃદ્ધો તથા બાળકોને વધુ તકલીફ થઈ હતી. બાળકોએ આજે શાળાએ જવા ટાળ્યું હતું. જિલ્લાના મુખ્યમથક અમરેલી તેમજ બાબરા, સાવરકુંડલા, વડિયા, બગસરા, ખાંભા, ધારી, જાફરાબાદ અને લાઠી સહિત સમગ્ર જિલ્લામાં વરસાદ પડ્યો હતો. જાફરાબાદ દરિયા વિસ્તારના માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ હતી. ઓખી વાવાઝોડાને લઇ સરકારી તંત્ર સજ્જ થઇ ગયો છે અને એનડીઆરએફની ટીમ પણ સજ્જ થઇ સ્ટેન્ડબાય છે. તંત્ર દ્વારા હજુ આજરાત્રીના ૧૨થી સવારના ૬ વાગ્યા સુધી એલર્ટ રહેવા જણાવાયું છે .
જાફરાબાદ દરિયા કાંઠે ૩ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું
અમરેલી જિલ્લાના જાફરાબાદ દરિયામાં ૩ નંબરનું સિગ્નલ મારી દેવામાં આવ્યું છે અને દરિયામાં માછીમારી ન કરવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. જાફરાબાદ દરિયામાં માછીમારી કરવા કુલ ૪૯૪ બોટો ગઈ હતી. આ બોટોને વાયરલેસ મારફતે સૂચના આપી બોલાવી લેવામાં આવી હતી જેથી જાફરાબાદ દરિયાકાંઠે ૪૯૨ બોટો પરત આવી ગઈ છે અને હજુ ૨ બોટો ૨૦થી ૨૫ નોટિકલ માઈલ દૂર દરિયામાં છે. સરકારી તંત્ર દ્વારા જણાવ્યું હતું કે, દરિયામાં રહેલ ૨ બોટો રાત્રી સુધીમાં જાફરાબાદ દરિયાકાંઠે આવી જશે તેમ જણાવ્યું હતું.