અમદાવાદ, તા.૩૦
‘સૌનો સાથ-સૌનો વિકાસ’ અને ‘સબ સલામત’ના દાવા કરનાર સરકારના શાસનમાં રાજ્યમાં ખેડૂતોની આત્યમહત્યાનો સિલસિલો યથાવત્ છે. એક પછી એક બનતા આત્મહત્યાના બનાવોમાં પાકની નિષ્ફળતા અને આર્થિક સંકડામણ કારણભૂત હોવાની વિગતો સામે આવી છે.
રાજ્યમાં ખેડૂતોની આત્મહત્યાનો સિલસિલો યથાવત છે. સુરેન્દ્રનગરમાં બે ખેડૂતોની આત્મહત્યા બાદ અમરેલી જિલ્લામાં વધુ એક ખેડૂતે ટ્રેન નીચે ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. બીજીબાજુ, એક પછી એક ખેડૂતની આત્મહત્યાને લઇ રાજ્યના ખેડૂતઆલમમાં પણ શોકની લાગણી ફેલાઇ ગઇ છે. ખેડૂતની આત્મહત્યા અંગે મૃતક ખેડૂતના પરિવારે પાક નિષ્ફળ જવાના કારણે તેમણે આ પગલું ભર્યું હોવાનું સ્પષ્ટ કર્યુ હતું. આ અંગે મળતી માહિતી મુજબ, અમરેલી જિલ્લાના લાઠીના કાચરડી ગામના ૩૯ વર્ષીય ખેડૂત કમલેશભાઈ બાવચંદભાઈ વસાણીએ આત્મહત્યા કરી હતી. મેથળી ગામ નજીકના રેલવે ટ્રેક પર પસાર થતી માલગાડી નીચે પડતું મુકીને તેમણે જીવનનો અંત આણ્યો હતો. બનાવ અંગે મૃતકના સ્વજનોએ પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યાની દામનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે પોલીસે મૃતકની લાશને પીએમ માટે ખસેડી વધુ તપાસ શરૂ કરી છે. દામનગર સિવિલ ખાતે ખેડૂત અગ્રણીઓમાં ભારે રોષ જોવો મળ્યો હતો.
પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી. દરમ્યાન રાજયમાં વધુ એક ખેડૂતની આત્મહત્યાને લઇ વિપક્ષ કોંગ્રેસ તરફથી ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. જયારે બીજીબાજુ, એક પછી એક ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા હોવા છતાં ભાજપ સરકાર દ્વારા આ સમગ્ર મામલે સૂચક મૌન સેવવામાં આવી રહ્યું છે, જેને લઇ ખેડૂતોમાં ઉગ્ર આક્રોશ પ્રવર્તી રહ્યો છે.
અમરેલીના કાચરડી ગામના ખેડૂતે ટ્રેન નીચે ઝંપલાવી જીવ ટૂંકાવ્યું

Recent Comments