અમરેલી, તા.૬
અમરેલીની વિધાનસભાની સીટ અતિ મહત્ત્વની હોઈ તેમ આજે એક સાથે અમરેલીમાં ભાજપના અને કોંગ્રેસના નેતાઓ ઉમટી પડ્યા હતા જેમાં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ચિતલ રોડ ઉપર ભાજપના ઉમેદવાર બાવકુભાઇ ઉંધાડના સમર્થનમાં એક જંગી જાહેરસભા યોજવાના હોઈ જેથી ભાજપના કાર્યકરો સભામાં મેદની ભેગી કરવા કામે લાગી ગયા હતા. બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીના સમર્થનમાં ફિલ્મ અભિનેતા અને સાંસદ રાજ બબ્બર પણ આજે રાત્રીના જીવરાજ મેહતા ચોક ખાતે એક જંગી જાહેર સભા યોજવાના હોઈ જેથી તેની સભામાં પણ કોંગ્રેસના કાર્યકરો તનતોડ મહેનત કરવામાં લાગી ગયા હતા.
ઓછામાં પુરૂં હોઈ તેમ ભાજપની ઊંઘ હરામ કરનાર પાસના નેતા હાર્દિક પટેલનો આજે સાંજે ભવ્ય રોડ શો યોજાયો હતો અને કામનાથ મંદિર ખાતે એક જંગી જાહેર સભા યોજવાનો હોઈ જેથી ભાજપના નેતાઓમાં હાર્દિકની સભાને લઇ ચિંતાનું વાતવરણ જોવા મળ્યું હતું. પાટીદારો મોટી સંખ્યામાં હાર્દિક પટેલના રોડ શોમાં ઉમટી પડ્યા હતા અને શહેરમાં ટ્રાફિક જામ સર્જાયો હતો. અમરેલીમાં આજે એક સાથે ભાજપ અને કોંગ્રેસ અને હાર્દિક પટેલની સભાને લઇ અમરેલીમાં ભારે રાજકીય ગતિવિધિઓ સર્જાઈ હતી અને વાતવરણ ગરમાયું હતું.