અમરેલી, તા.૨૮
અમરેલીમાં રહેતી અને ગોંડલ ખાતે સગાઇ થયેલ યુવતીને તેના ભાવિ પતિ અને સાસુએ લગ્ન સમયે રોકડ અને કરિયાવર તથા દાગીના સહિતની માગણી કરતા અને અવારનવાર સગાઇ તોડી નાંખવાની ધમકી આપતા યુવતીએ કંટાળી પોતાના ઘરમાં પંખાના હૂક સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં યુવતીના ભાવિ પતિ અને સાસુ સામે મરણ જનાર યુવતીના પિતાએ મારવા મજબુર કર્યાની ફરિયાદ નોંધાવેલ હતી.
આ અંગે મળતી વિગતો અનુસાર અમરેલીના ચિતલ રોડ શ્રીનાથજી પાર્ક સોસાયટીમાં રહેતા અને પાણી પુરવઠા બોર્ડમાં ફિક્સ પગારદાર તરીકે નોકરી કરતાં રાજેદ્રસિંહ દલપતસિંહ સીસોદીયાની પુત્રી હેમાંશ્રી (ઉ.વ.૧૭)ની સગાઇ આથી ચાર વર્ષ પહેલાં ગોંડલ ખાતે રહેતા ભાર્ગવ નાનકુભાઇ સીસોદીયા સાથે થયેલ હતી. સગાઇ બાદ એક દિવસ માટે હેમાંશ્રી એક દિવસ માટે ગોંડલ સાસરે રોકાવા ગયેલ હતી ત્યારે તેના સાસુ રંજનબેન ઉમેદભાઈ સીસોદીયાએ કહેલ કે રજવાડા જેવું કરિયાવર લાવજે અને તારા પતિ માટે સોનાની વીંટી અને સોનાની ચેઈન લઇ આવજે અને તારો પતિ કઈ કમાતો નથી એટલે તેના માટે ૧૦ લાખ રૂપિયા લેતી આવજે. બાદમાં આવરનવાર ફોનમાં પણ કરિયાવર બાબતે માગણી કરી અને શંકા-કુશંકા કરી પતિ અને સાસુ દ્વારા સગાઇ તોડી નાખવાની ધમકી મરવા મજબુર કરાતા હેરાન થઇ ગયેલી હેમશ્રીએ પોતાના ઘરમાં પંખાના હુક સાથે દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં અમરેલી સિટી પોલીસમાં હેમાશ્રીના પિતા રાજેન્દ્રસિંહ દલપતસિંહ સીસોદીયાએ ભાર્ગવ અને રંજનબેન સામે મરવા માટે મજબુર કરવાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરેલ છે.