(સંવાદદાતા દ્વારા) અમરેલી, તા ૧૯
અમરેલી ખાતે સમસ્ત મુસ્લિમ સમાજના યુવક યુવતીઓનો જીવનસાથી પરિચય સમારોહ સિપાઈ યંગ ગ્રુપ અને સિપાઈ સમાજ ટ્રસ્ટ ગુજરાત દ્વારા યોજાયો હતો. અગાઉ ભાવનગર-રાજકોટ અને સુરેન્દ્રનગરમાં સફળતા મેળવ્યા બાદ ચોથો જીવનસાથી પરિચય સમારોહ અમરેલી ખાતે પણ સફળતાપૂર્વક યોજાઈ ગયો હતો.
સિપાઈ યંગ ગ્રુપ દ્વારા આયોજિત અને સિપાઈ સમાજ ટ્રસ્ટ ગુજરાત દ્વારા સમસ્ત મુસ્લિમ સમાજમાં સારા વિચારો કેળવાઈ અને સમાજમાં જૂના રૂઢિગ્રસ્ત વિચારોથી તદ્દન નવી યુવા પેઢી દ્વારા ઇસ્લામના કોઈ કાયદા કાનૂનથી ઉપર જયાં વગર મુસ્લિમ સમાજ જાગૃત થાય તેમજ ખોટા ખર્ચાઓથી બચવા અને એક જ સ્થળે યુવક-યુવતીઓનો પરિચય થાય તેવા ઉમદા હેતુથી સમસ્ત મુસ્લિમ યુવકો અને યુવતીઓનો ચોથો જીવનસાથી પરિચય સમારોહ અમરેલી ખાતે ૧૭/૯/૨૦૧૭ના રવિવારના રોજ અમરેલી કસ્બાવાડ સિપાઈ જમાતખાના ખાતે સફળતા પૂર્વક યોજાયો હતો.
આ કાર્યક્રમમાં ગુજરાત ભરના અલગ અલગ શહેરોમાંથી અંદાજે ૧૧૦ જેટલા શિક્ષિત તેમજ જુદા જુદા વ્યવસાય સાથે સંકળાયેલ યુવક-યુવતીઓએ ભાગ લીધેલ હતો. અત્રે ઉલ્લેખનીય છે કે સિપાઈ યંગ ગ્રુપ દ્વારા આગામી દિવસોમાં શિક્ષણ ક્ષેત્રે મુસ્લિમ સમાજના તેજસ્વી તારલાઓનો ઇનામ વિતરણ કાર્યક્રમ પણ યોજવા આયોજન કરાયું છે. સમસ્ત મુસ્લિમ સમાજ જીવનસાથી પરિચય સમારોહ યોજવા આ સંસ્થાના પ્રમુખ ડો.અવેશ ચૌહાણ (પોરબંદર), તેમજ મોહસીનખાન પઠાણ (ચોટીલા), આશીફભાઇ સિપાઈ (રાજકોટ), જહાંગીરખાન પઠાણ (સુરત), અઝીઝભાઈ ચૌહાણ, (શિહોર) સાહિલભાઈ સોલંકી (સુરેન્દ્રનગર) તેમજ અમરેલીના અબ્દુલભાઇ કુરેશી, રફીકભાઇ ચૌહાણ, જાવેદખાન પઠાણ, આર કે પરમાર સહિતનાએ જેહમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવેલ હતો.