(સંવાદદાતા દ્વારા) અમરેલી, તા.૨
અમરેલી શહેર સહિત આજે સવારથી જ શરૂ થયેલ વરસાદથી સમગ્ર જિલ્લામાં ખુશી વ્યાપી ગઈ છે. જિલ્લાના મુખ્યમથક અમરેલીમાં આજે સવારથી જ વરસાદ ધીમીધારે વરસતા સવારના ૧૦થી બપોરના ૧૨ સુધીમાં ૪ ઇંચ વરસાદ ખાબકી ગયો હતો, અને સાંજના ચાર વાગ્યા સુધીમાં અમરેલીમાં કુલ ૫ ઇંચ વરસાદ પડી ગયો હતો. ધીમીધારે પડેલા વરસાદથી શહેરના માર્ગો પરથી પાણી વહેતા થયા હતા અને કેટલાય સમયથી શહેરમાં પથરાયેલ કીચડ ગારો સાફ થઇ ગયો હતો. અમરેલીમાં ધીમીધારના વરસાદથી સમગ્ર પાણી જમીનના તળમાં ઉતરતા ડૂકી ગયેલ દારના તળ ઊંચા આવી ગયા હતા. ધીમીધારના વરસાદથી વડી ડેમમાં અડધો ફૂટની નવા નીરની આવક થઈ હતી, જ્યારે લીલિયામાં પણ સવારથી શરૂ થયેલા વરસાદથી સાંજના ૪ વાગ્યા સુધીમાં સાડાત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો. લીલિયાના ઉપરવાસમાં પણ સારો વરસાદ પડતા લીલિયાની નાવલી નદીમાં પૂર આવ્યું હતું, જ્યારે બગસરામાં પણ ૩ ઇંચ વરસાદ પડી જતા બજારોમાંથી પાણી નદીની જેમ વહી રહ્યા હતા. બગસરાના ઉપરવાસના ગામોમાં પણ સારો વરસાદ પડતા મુંજિયાસર ડેમમા ૫ ફૂટની આવક નોંધાઈ હતી, જ્યારે જિલ્લાના લાઠી અને વડિયામાં પણ ૨ ઇંચ વરસાદ પડ્યો હતો તેમજ જાફરાબાદમાં તેમજ ધારીમાં દોઢ ઇંચ, જ્યારે બાબરામાં એક ઇંચ વરસાદ પડ્યો હતો. ધારીના ખોડિયાર ડેમમાં અડધા ફૂટની પાણી આવક થઈ હતી, જ્યારે રાજુલામાં માત્ર અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. સાવરકુંડલામાં માત્ર ઝાપટું પડ્યું હતું, જ્યારે જિલ્લાના એક માત્ર ખાંભામાં વરસાદ પડ્યો ન હતો.
અમરેલી જિલ્લાના ત્રણ ડેમોમાં નવા નીરની આવક
(૧) અમરેલી વડી ડેમ- અડધા ફૂટ આવક
(૨) બગસરા મુંજિયાસર ડેમ- ૫ ફૂટ આવક
(૩) ધારી ખોડિયાર ડેમ- અડધા ફૂટ આવક
અમરેલી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં રોડ ઉપર પાણીમાં વીજકરંટ શરૂ થતાં અફડાતફડી
અમરેલીના સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં મેડિકલ કોલેજ જવાના રસ્તે આવેલ ઇલેક્ટ્રિક ટ્રાન્સફરના પોલમાંથી વીજકરંટ આવતા સદભાગ્યે મોટી જાનહાનિ થતાં અટકી હતી. ગઈકાલે પણ એક યુવાન બાઈક લઇને પસાર થતા તેને પણ કરંટ લાગતા બાઈક પાણીમાં મૂકી પાણી બહાર દોડી ગયો હતો. મેડિકલ કોલેજનો વહીવટ સંભળનાર શાંતાબા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલ લાઠી રોડ તરફના ગેટ તેમજ બસ સ્ટેન્ડ તરફના ગેટ પાસે મોટા વાહનો આડે મૂકી રસ્તો બંધ કરી દીધો હતો. બંને સાઈડના ગેટ બંધ કરી દેવામાં આવતા સિવિલ હોસ્પિટલમાંથી પસાર થતાં લોકોને હાલાકીનો ભોગ બનવું પડ્યું હતું. ઇલેક્ટ્રિક પાવર પણ બંધ કરી દેવામાં આવ્યો હતો.