(સંવાદદાતા દ્વારા) અમરેલી, તા.૨૮
રાજ્યમાં ત્રણેક દિવસથી રાજકીય ભૂકંપ સર્જાયો હોઈ તેમ કોંગ્રેસના શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ છોડ્યા પછી કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા બાદ અમરેલીના કોંગ્રેસના પૂર્વસાંસદ પણ ગાંધીનગર કમલમની મુલાકાતે ગયા હોવાના સોશિયલ મીડિયા વોટસએપ ગ્રુપમાં મેસેજ મૂકતા ભારે ખળભળાટ મચી ગયેલ છે. પરંતુ પૂર્વસાંસદ ઠુમ્મરે આ બાબતે જિલ્લા પોલીસને લેખિતમાં ફરિયાદ આપી પોતાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડનાર સામે કાર્યવાહી કરી પગલાં ભરવા રજૂઆત કરતા રાજકીય ખળભળાટ મચી છે. આ બનાવ અંગે મળતી વિગતો અનુસાર અમરેલી જિલ્લાના બાબરા ખાતે બાબરા ન્યુઝ નામથી ચાલતા સોશિયલ મીડિયા વોટ્‌સએપ ગ્રુપમાં વનરાજભાઈ વાળા નામના ગ્રુપ મેમ્બરે કોંગ્રેસના પૂર્વ સાંસદ અને જિલ્લા પંચાયત પ્રમુખના પિતા વીરજીભાઈ ઠુંમર પણ ગાંધીનગર ખાતે કમલમની મુલાકાતે ગયા હોવાના મેસેજ પોસ્ટ કરતા આ ગ્રુપમાં ભારે રાજકીય કોમેન્ટ થઇ હતી અને આ મેસજથી સમગ્ર જિલ્લામાં રાજકીય ભૂકંપ સર્જાયો હતો પરંતુ આ બાબતે કોંગ્રેસના પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુમ્મરે ખુલાસો કર્યો હતો કે આ તદ્દન ખોટા બનાવટી સમાચાર છે અને અમરેલી જિલ્લાના બાબરા ખાતે ચાલતા બાબરા ન્યુઝ ગ્રુપના સભ્ય સામે પોતાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડનાર શખ્સ સામે સોશિયલ મીડિયાની કાયદાની કલમ મુજબ પગલાં ભરી કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડાને લેખિતમાં ફરિયાદ કરતા ભારે ખળભળાટ મચી ગયો હતો.