(એજન્સી) અમૃતસર, તા.૧૯
અમૃતસરમાં એક ધાર્મિક ડેરા પર રવિવારે ગ્રેનેડ હુમલો થતાં પંજાબ પોલીસ ઊંઘતી પકડાઈ છે અને તેને કારણે રાજ્યના ગુપ્તચર વિભાગમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. આ હુમલો ત્યારે થયો કે જ્યારે જૈશ-એ-મોહમ્મદ આતંકવાદીઓનો એક સમૂહ પ્રદેશમાં પ્રવેશવાની માહિતી બાદ પંજાબ હાઈએલર્ટ પર હતું. ડીજીપી ઈન્ટેલિજન્સ દિનકર ગુપ્તાએ બુધવારે જિલ્લા પોલીસ પ્રમુખોને સાવચેત રહેવા, વિશેષ ચોકી સ્થાપિત કરવા અને સરહદીય વિસ્તારોમાં સંરક્ષણની દ્વિતીય લાઈનને મજબૂત બનાવવાના આદેશ આપ્યા હતા. ડીજીપીનો આદેશ હોવા છતાંય હુમલાખોરો ગ્રેનેડ અને પિસ્તોલની સાથે આદલીવાલ ગામમાં નિરનાક્રિસના પ્રાર્થના ખંડમાં ઘૂસવામાં અને ત્યાંથી નાસી જવામાં પણ સફળ રહ્યા. કારણ કે ઘટનાનો વિસ્તાર રાજાસાંસીમાં આવેલા ઉચ્ચ સુરક્ષિત ગુરૂ રામદાસ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકથી માત્ર ર કિમી જ દૂર છે. અમૃતસરના વરિષ્ઠ પોલીસ અધિક્ષક પરંપાલસિંહે કહ્યું કે, અમને વિસ્તારમાં ધાર્મિક સમારંભનું આયોજન કરાયું હોવા વિશે કોઈ પણ પ્રકારની જાણકારી નહોતી અને આવી મંડળીઓ પર હુમલાઓની શક્યતા હોવાની પણ કોઈ જ માહિતી અમને મળી નહોતી. ઉપરાંત અમે નિયમિતપણે તપાસ પણ કરી રહ્યા હતા. જો કે કોંગ્રેસી ધારાસભ્ય ડો.રાજકુમાર વેર્કાએ કહ્યું કે, આ ઈન્ટેલિજન્સની નિષ્ફળતા છે. આ એક મોટી નિષ્ફળતા છે કે જ્યારે રાજ્યમાં પહેલેથી જ હાઈએલર્ટ હોય અને આ પ્રકારનો હુમલો થાય. આપણે આ ઘટનાથી બોધ લેવો જોઈએ.