(એજન્સી) કોલકાતા, તા. ૬
નોબેલ પુરસ્તાર વિજેતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને જણાવ્યું છે કે, ‘જય શ્રી રામ’નો નારો આજકાલ સમગ્ર ભારતમાં લોકોને ‘માર મારવા’ માટે ઉપયોગમાં લેવામાં આવ્યો છે અને બંગાળી સંસ્કૃતિ સાથે આને કોઇ લેવા દેવા નથી. સેને જાદવપુર યુનિવર્સિટીમાં એક જાહેરસભામાં કહ્યું હતું કે, ‘‘મેં પહેલા ક્યારેય આ રીતે જય શ્રી રામ સાંભળ્યું નથી. હવે આનો ઉપયોગ લોકોને માર મારવા માટે થઇ રહ્યો છે. મને લાગે છે કે, આને બંગાળી સંસ્કૃતિ સાથે કોઇ લેવા દેવા નથી. બંગાળીઓના જીવનધોરણમાં મા દુર્ગા સર્વવ્યાપી છે. બીજી તરફ ભાજપે કહ્યું છે કે, બંગાળ સાથે જય શ્રી રામના સૂત્રને હવે સંબંધ છે. અમર્ત્ય સેને એમ પણ જણાવ્યું કે, તેમણે રાજ્યમાં પહેલા ક્યારેય રામ નવમી મનાવવા વિશે સાંભળ્યું નથી પણ હવે આ બાબતને લોકપ્રિયતા મળી રહી છે. મેં પહેલા ક્યારેય રાજ્યમાં રામ નવમી વિશે સાંભળ્યું ન હતું. મેં માર ચાર વર્ષના પૌત્રને પુછ્યું કે, તારો સૌથી પસંદગીના દેવતા કયા છે ? ત્યારે તેણે જવાબ આપ્યો કે, ‘મા દુર્ગા’, રામ નવમી સાથે મા દુર્ગાની સરખામણી કરી શકાય નહીં. તેમણે જણાવ્યું કે, કોઇ ચોક્કસ ધર્મના લોકો સ્વતંત્ર રીતે આગળ વધવાથી ડરી રહ્યા છે અથવા ભયભીત છે તો આ એક ગંભીર મુદ્દો છે. સેનની ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે દેશના કેટલાક ભાગોમાં ચોક્કસ ધર્મના લોકો અન્ય ધર્મના લોકોને જય શ્રી રામ બોલવાની ફરજ પાડી રહ્યા છે અને તેઓ આમ બોલવાનો ઇન્કાર કરે તો તેમને માર મારવામાં આવે છે. ગરીબી અંગે બોલતા તેમણે જણાવ્યું કે, ગરીબ લોકોની પીડા ફક્ત તેમની આવકનું સ્તર વધી જવાથી દૂર થતી નથી. ગરીબીને મૂળભૂત સ્વાસ્થ્ય સેવા, શિક્ષણ અને સામાજિક સુરક્ષાથી ઓછી કરી શકાય છે.