(એજન્સી) કોલકાતા, તા.૨૯
ઈતિહાસ સાક્ષી છે કે, બંગાળ હંમેશા ધર્મ નિરપેક્ષ રહ્યું છે, પરંતુ આજે અહીં પેદા થયેલી અશાંતિ માટે આરએસએસ અને હિંદુત્વવાદી સંગઠન જવાબદાર છે. અહીં સામાજિકીકરણનું રાજકારણ ચાલી રહ્યું છે. કંઈક આવા જ અંદાજમાં એકવાર ફરી નોબેલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને હિંદુત્વવાદી સંગઠનો પર નિશાન તાક્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મહાનગર કોલકાતામાં ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડેવલપમેન્ટ સ્ટડીઝ તરફથી આયોજિત કરાયેલા એક કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે હાજરી આપનાર અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને બંગાળ અને બંગાળીત્વ અંગે જણાવતા કહ્યું કે, જે રીતે મગધી અને પ્રાકૃતની ઉત્પત્તિનો ઈતિહાસ લોકોને તેના પ્રત્યે આકર્ષિત કરે છે, તે જ રીતે રવિન્દ્રનાથથી લઈને મુકુન્દ રામની ચંડીમંગલ (બંગાળી સાહિત્યની એક મહત્ત્વપૂર્ણ શૈલી) પણ આપણને તેના પ્રત્યે આકર્ષિત કરે છે. નવાબ કાળથી લઈને બ્રિટીશકાળ સુધીના સમયગાળાનો ઈતિહાસ સાક્ષી છે કે, અહીં કયારેય સાંપ્રદાયિક શક્તિઓને આશ્રય મળ્યો નથી. આ રાજ્યના વિકાસમાં હિંદુ અને મુસ્લિમ બંનેનું સરખુ યોગદાન રહ્યું છે. પરંતુ આજે આરએસએસ જેવા હિંદુત્વવાદી સંગઠન અહીં અશાંતિ ફેલાવવાનું કામ કરી રહ્યા છે. એવામાં બંગાળી અને બંગાળીત્વનું રક્ષણ કરવા તેમજ ધર્મ નિરપેક્ષતાનો ઈતિહાસ જાળવી રાખવા માટે સામાન્ય લોકોએ સામાજિકીકરણના રાજકારણને અવગણીને આ શક્તિઓની વિરૂદ્ધ એકજૂટ થવાની જરૂર છે, તો જ બંગાળની સુરક્ષા કરવી શક્ય બનશે.