અમદાવાદ,તા. ૩૧
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ(એએમટીએસ) દ્વારા અપાતા માસિક પાસ હવે આવતીકાલે તા. ૧લી એપ્રિલથી બંધ થઇ જશે. માસિક સર્વિસ પાસ અને મનપસંદ માસિક સર્વિસ પાસ એમએમટીએસ દ્વારા બંધ કરવામાં આવશે. આ પાસ બંધ કરી હવે તેના બદલે એએમટીએસ દ્વારા માત્ર ત્રિમાસિક સર્વિસ પાસ માટે જનમિત્ર કાર્ડ આપવામાં આવશે. ખાસ કરીને પાસ તથા અન્ય પાસ માટે ફોર્મ ભરતી વખતે આધાર કાર્ડ ફરજીયાત આપવાનું રહેશે અને જૂના એકપણ પાસ રિન્યુ કરવામાં આવશે નહીં. એએમટીએસના આ નિર્ણયથી લાખો વિદ્યાર્થીઓને પણ અસર થશે. આવતીકાલે તા.૧લી એપ્રિલથી ત્રિમાસિક તથા અન્ય પાસ માટે આઇસીઆઇસીઆઇ બેંકના ‘જનમિત્ર’ સ્માર્ટ કાર્ડ ઇસ્યુ કરવામાં આવશે. પાસ મેળવવા માગતા લોકો અમદાવાદમાં આવેલ લાલ દરવાજા, વાડજ તથા સારંગપુર ટર્મિનલ ખાતે ફોર્મ જમા કરાવી શકશે. ખાસ કરીને દર વખતે નવેસરથી ફોર્મ ભરી કાર્ડ ઇશ્યુ કરાવવું પડશે, જૂનું કાર્ડ રિન્યુ કરવામાં આવશે નહીં. ‘જનમિત્ર’ સ્માર્ટ કાર્ડનો અમલ પણ તાત્કાલિક ધોરણે આવતીકાલ તા.૧લી એપ્રિલથી કરવામાં આવશે. આ અંગે એએમટીએસની યાદીમાં જણાવાયું છે કે, પાસ કઢાવનારે રૂ.પાંચની કિંમતનું ફોર્મ મેળવીને તેમાં જણાવેલી તમામ વિગતો ભરી, બે પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ અને આધારકાર્ડ સાથે એએમટીએસના રીટ્‌ઝ હોટલ, લાલદરવાજા, વાડજ તથા સારંગપુર ટર્મિનસ ખાતે સવારે ૮-૩૦થી બપોરના ૩-૦૦ કલાક સુધીમાં જમા કરાવવાનું રહેશે. તો આ જ પ્રકારે વિદ્યાર્થીઓના કન્સેશન પાસ, મંદબુધ્ધિ બાળકો તથા તેના વાલીઓના પાસ અને શારીરિક ખોડખાંપણ ધરાવતા તથા સિનિયર સીટીઝન અને પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સીલર વેગેરેએ પણ એએમટીએસના નિયત કરાયેલા ફોર્મ તથા આઈસીઆઈસીઆઈ બેંકના જનમિત્ર કાર્ડના ફોર્મમાં જરૂરી વિગત ભરીને પાસપોર્ટ સાઈઝના ફોટા, આધારકાર્ડ ફરજિયાત અને રહેઠાણના જરૂરી પુરાવા સાથે લાલ દરવાજા રીટઝ હોટલ ખાતે સવારે ૮ઃ૩૦થી બપોરે ૩ સુધીમાં જમા કરાવવાનું રહેશે.