અમદાવાદ,તા.ર૪
મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત એએમટીએસ તંત્ર દ્વારા મારૂતિ ઈકો ટાઈપના નવ નંગ વાહનો ૩ વર્ષ માટે ભાડેથી લેવા માટેનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. પરંતુ તંત્ર દ્વારા પોતાની મળતિયા ચોક્કસ કંપનીને ફાયદો કરાવવા ટેન્ડરમાં એવા ગુંચવાડા ઉભા કરવામાં આવ્યા છે અને એવી વિસંગતતા કે અટપટી શરતો મુકવામાં આવી છે કે અન્ય કંપનીઓ હરિફાઈમાં આવે જ નહીં ઉપરાંત ઈકો ટાઈપના વાહનો ભાડે લેવાના ટેન્ડરમાં મારૂતિ કંપનીના એસએકસ (૪) સ્વીફટ કે સ્વીફટ ડીઝાયર જેવા વાહનો પણ કંપનીની માલિકીના હોવા જોઈએ તેવી શરત મુકાતા દાળમાં કાળું હોવાની શકયતા દર્શાવાઈ રહી છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન વિરોધ પક્ષના નેતા દિનેશ શર્માએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે એએમટીએસ દ્વારા નવ નવા વાહનો ત્રણ વર્ષ માટે ભાડેથી પુરા પાડવાના એન્પ્રોકયોરની વેબસાઈટ ઉપર ટેન્ડરની માહિતી મુકવામાં આવી છે જેમાં ટેન્ડર ભરવાની છેલ્લી તા.૩-૮-ર૦૧૮ના પાંચ વાગ્યા સુધીની છે જયારે કે, વેબસાઈટ ઉપરથી તે જ ટેન્ડર ડાઉનલોડ કરતા ટેન્ડર ભરવાની છેલ્લી તા.૧૮-૭-ર૦૧૮ આવે છે. ખરેખર ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ કઈ છે તે સ્ષષ્ટતા થતી નથી. આમ વેબસાઈટ ઉપરના હોમ પેજથી છેલ્લી તારીખ જોઈ બિડરો બેસી રહે તે દરમ્યાન ટેન્ડરની ડેડલાઈન જતી રહે તેવું સેટિંગ પાડવામાં આવ્યું છે. આ અંગે મ્યુનિ. કમિશનરને પત્ર લખી તપાસની માગણી કરવામાં આવી છે આ સમગ્ર ખેલ અન્ય બીડરોને ટેન્ડર પ્રક્રિયાથી દુર રાખી મળતિયા કંપનીને ફાયદો કરાવવા માટે થયો છે. કેમ કે આ સિવાય ટેન્ડરની શરતોમાં પણ મળતિયા કંપનીને ફાયદો થાય તેવી શરતો મુકવામાં આવી છે.
અહીં નોંધવું અનિવાર્ય છે કે જો ટેન્ડર મારૂતિ ઈકો નવ નંગ વાહનો ભાડેથી મેળવવાનું છે તો પછી અન્ય ગાડીઓની માલિકી હોવી જોઈએ તેવું કેમ માગવામાં આવ્યું છે ? કારણ કે તેમની મળતિયા કંપની પાસે પહેલેથી આ વાહનો હશે જે અન્ય બીડરો પાસે હોય તેવું શકય નથી. આ ટેન્ડર માટે તા.૧-૧-ર૦૧૮ કે તે પછીના રજિસ્ટ્રેશન કે ઓર્ડર આપેલા વાહનો કામ માટે મુકવાના છે તો પછી ર૦૧૪-૧પના વાહનો ટેકનિકલ લાયકાતમાં કરવા શું જરૂરી છે ? ટેન્ડરમાં ભાવ નોનએસી વાહનના મંગાવેલા છે પરંતુ ટેન્ડરની શરત નં.૪૪માં એે.સી.-નોનએસી- વાહન મુકવા જણાવેલુ છે જેથી વાહનના ટેન્ડરમાં ગુંચવાળા ઉભા કરવામાં આવ્યા છે. આથી દિનેશ શર્માએ જણાવ્યું છે કે આ પણ એક પ્રકારનો ભ્રષ્ટાચાર છે જે મ્યુનિ. તંત્રમાં ફુલ્યોફાલ્યો છે. ટેન્ડર બહાર પાડતા પહેલા કોન્ટ્રાકટર નક્કી કરી દેવાય છે. તે પછી તેને ટેન્ડર લાગે તેવી શરતો મુકવામાં આવે છે જેથી પ્રમાણિકપણે સ્પર્ધા થતી નથી અને અમદાવાદ મ્યુનિ. કોર્પો.ની તિજોરીને નુકસાન વેઠવું પડે છે. જેથી આ ટેન્ડરની ચકાસણી કરી તાકીદે ટેન્ડર રદ કરવામાં આવે અને જવાબદારો સામે શિક્ષાત્મક પગલા કરવામાં આવે.