(એજન્સી)
સાઉ પાઉલો/રિયો તા.૩૦
બ્રાઝિલની જેલમાં સોમવારે જેલના બે જૂથો વચ્ચે ખૂની સંઘર્ષ થયો હતો. જેના લીધે ઓછામાં ઓછા પ૭ કેદીઓનાં મોત થયા હતા. ૧૬ કેદીઓના માથા વાઢી નાંખવામાં આવ્યા હતા. પારાના સત્તાવાળાઓએ માહિતી આપતાં જણાવ્યું કે, બ્રાઝિલની સરકાર કેદીઓથી ઉભરાતી જેલમાં પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ લાવવા પ્રયાસ કરી રહી છે. સત્તાવાળાઓએ જણાવ્યું કે, સ્થાનિક સમય મુજબ સવારે ૭ વાગે અલ્ટામીરા શહેરના ઉત્તરમાં આવેલ એક જેલમાં બે દુશ્મની ધરાવતી ગેંગો વચ્ચે સંઘર્ષ ફાટી નીકળ્યો હતો. કમાન્ડો કલાસ એ ગેંગના કેદીઓએ એમની દુશ્મન ગેંગ કમાન્ડો વર્મમેલો ગેંગના સેલમાં આગ ચાંપી હતી. આગના લીધે જ વધુમાં વધુ કેદીઓ માર્યા ગયા હતા. બે ગાર્ડોને બંધક બનાવાયા હતા જેમને પાછળથી મુક્ત કરાયા હતા. રાજ્યના જેલ ડાયરેકટરે જણાવ્યું કે આ પૂર્વયોજિત હુમલો હતો પણ અમને ગુપ્તચર વિભાગ દ્વારા કોઈ માહિતી અપાઈ ન હતી. સંઘર્ષનું કારણ એકબીજાના જૂના હિસાબો ચૂકતા કરવાનો અને ક્ષેત્રીય વિસ્તારમાં પોતાનું વર્ચસ્વ સાબિત કરવાનો હતો. વીડિયો ફરી રહ્યો તો જેમાં દેખાઈ રહ્યું છે કે કેદીઓ વાઢેલા માથાઓને જમીન ઉપર ફૂટબોલની જેમ પછાડી ઉજવણી કરતા હતા. જો કે, અધિકૃત પુષ્ટિ થઈ નથી. જેલમાં થતાં આ પ્રકારના સંઘર્ષથી જાહેર સુરક્ષા સામે પ્રશ્ન ઊભો થયો છે. મે મહિનામાં એમેઝોનની જેલ ઉપર કરાયેલ હુમલામાં પપ કેદીઓના મોત થયા હતા. ર૦૧૭માં એમેઝોનમાં થયેલ હિંસક ઘટનાઓમાં ૧પ૦ કેદીઓના મોત થયા હતા.