(એજન્સી) બેંગલુરૂ, તા. ૨૧
બેંગલુરૂમાં સીએએ વિરોધી પ્રદર્શનમાં એક મહિલા દ્વારા પાકિસ્તાન જિંદાબાદનો નારો લગાવતા સ્થિતિ બગડી હતી. આ મહિલાની ઓળખ અમૂલ્યા લિયોના તરીકે થઇ છે તેણે માઇક છીનવાતા પહેલા હિંદુસ્તાન ઝિંદાબાદનો પણ નારો લગાવ્યો હતો. આ રેલીમાં હાજર રહેલા એઆઇએમઆઇએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ પાકિસ્તાન અંગેના નારાનો ભારે વાંધો ઉઠાવ્યો હતો. આ મહિલાનેતાત્કાલિક પોલીસની હિરાસતમાં લેવાઇ હતી અને બાદમાં તેની સામે રાષ્ટ્રદ્રોહનો કેસ દાખલ કરાયો હતો. અહેવાલો અનુસાર લિયોનાને ૧૪ દિવસ માટે ન્યાયિક હિરાસતમાં રાખવામાં આવી છે. બેંગલુરૂ પોલીસે તેની સામે દેશદ્રોહની સાથે જ બે સમુદાયો વચ્ચે દુશ્મની ફેલાવવાનો આરોપ પણ લગાવ્યો છે. આવા સમયે જ્યારે કર્ણાટકમાં દેખાવકારો માટે દેખાવો માટે પરવાનગી લેવાનું કઠિન છે ત્યારે રાજ્યમા નાના તથા મોટા જૂથો સીએએ વિરૂદ્ધ અવાજ ઉઠાવે છે ઉપરાંત એનઆરસી તથા એનપીઆરનો પણ વિરોધ થઇ રહ્યો છે. ૧૯મી ડિસેમ્બરે મેંગલુરૂમાં યોજાયેલી દેખાવો પોલીસના લાઠાચાર્જ અને માર મારવાને કારણે હિંસક બની ગયા હતા.
બેંગલુરૂમાં યોજાયેલી રેલી ‘બંધાણ બચાવો’ના બેનર તળે યોજાઇ હતી જ્યાં લિયોનાને બોલવા માટે આમંત્રિત કરાઇ અને તે વાયરલ થઇ ગયું હતું. તે ‘પાકિસ્તાન જિંદાબાદ’ બે વખત બોલતા સંભળાય છે એટલે સુધી કે, ઓવૈસી તેના હાથમાંથી માઇક ઝૂંટવા માટે પહોંચી ગયા હતા. સ્ટેજ પર હાજર અન્ય કેટલાક લોકો પણ તેની તરફ ઉતાવળે જતા દેખાયા. પોલીસ પણ તરત આ લોકો સાથે આવી ગઇ અને લિયોનાને કસ્ટડીમાં લીધી હતી પરંતુ ત્યાં સુધી તેણે ‘હિંદુસ્તાન જિંદાબાદ’નો પણ નારો પાંચ વખત લગાવ્યો હતો. બેંગલુરૂમાં કેટલાક દેખાવકારોએ કહ્યું કે લિયોના વિદ્યાર્થીની છે અને દેખાવ સ્થળે સતત આવતી હતી. તેમણે કહ્યું કે, તેનું ભાષણ હંમેશા વિવાદિત હોય છે અને કહે છે કે, રાજકીય વિવાદોને કારણે કોઇ દેશ સાથે નફરત ના કરવી જોઇએ. ૧૬મી ફેબ્રુઆરીએ પોતાના ફેસબૂક પોસ્ટમાં તેણે લખ્યું હતું કે, કોઇપણ દેશ માટે તમામ દેશો જિંદાબાદ છે. તેણે પોતાની પોસ્ટમાં ભારત તથા તમામ પાડોશી દેશોની પ્રશંસા કરી હતી જેમાં પાકિસ્તાનનો સમાવેશ થાય છે. બાદમાં સભાને સંબોધનારા ઓવૈસીએ જણાવ્યું કે, આ મહિલા સાથે તેઓ સહમત નથી. તેમને કહેવાતી ઉદારવાદી ગણાવતા ઓવૈસીએ તમામ ઉદારવાદીઓને મુસ્લિમોને સામેલ કરતા કોઇપણ કાર્યક્રમમાં હાજર ન રહેવા કહ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે, હું કે મારી પાર્ટીના કોઇનો તેની સાથે કોઇ સંબંધ નથી. અમે તેને વખોડીએ છીએ. આયોજકોએ તેને અહીં આમંત્રિત કરવી જોઇતી ન હતી. જો મને આ વાતની ખબર હોત તો હું અહીં આવ્યો ન હોત. અમે ભારત માટે છીએ અને આપણા દુશ્મન દેશ પાકિસ્તાનને ક્યારેય સમર્થન આપતા નથી. અમારી સમગ્ર લડાઇ ભારત બચાવોની છે. તેમણે કહ્યું કે સીએએનો કાયદો મુસ્લિમોને રાજ્યવિહોણા બનાવવા માટે છે. જો ઉદારવાદીઓ મુસ્લિમો અને સીએએ વિશે ખરેખર ચિંતાતૂર હોય તો તેઓએ શાહીનબાગ જેવું અન્ય ધરણા પ્રદર્શ નકરવું જોઇએ. તેમણે આરોપ લગાવ્યો કે, નાગરિકત સુધારો કાયદો મુસ્લિમો પ્રત્યે સરકારની નફરત દર્શાવે છે અને ગરીબ વિરોધી છે.
કોણ છે ? પાકિસ્તાન ઝિંદાબાદનું સૂત્ર લગાવનાર યુવતી અમૂલ્યા લિયોના
એનઆરસી વિરૂદ્ધ અસદુદ્દીન ઓવૈસીની રેલીમાં પાકિસ્તાન જિંદાબાદનું સૂત્ર લગાવનારી મહિલા કાર્યકર્તા અંગે હોબાળો વધી ગયો છે. પોલીસે આરોપી મહિલાની વિરૂદ્ધ દેશદ્રોહનો કેસ દાખલ કર્યા પછી તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવી છે. સમાચાર મુજબ ઓવૈસીની સભામાં પાકિસ્તાન જિંદાબાદનું સૂત્ર લગાવનારી મહિલા કાર્યકર્તાનું નામ અમૂલ્યા લિયોના છે, તે બેંગ્લુરૂની એનએમકેઆરવી મહિલા કોલેજની વિદ્યાર્થિની છે, તે બેંગ્લુરૂ રેકોર્ડિંગ કંપનીમાં ટ્રાન્સલેટર તરીકે કામ પણ કરી ચૂકી છે. સ્કૂલનો અભ્યાસ સેંટ નોરબેટ સીબીએસઈ સ્કૂલ અને મણિપાલની સ્કૂલથી કર્યો છે. અમૂલ્યા લિયોના બ્લોગિંગ પણ કરે છે. તેમનું અલનોરોન્હા નામથી અલગ ફેસબૂક પેજ પણ છે. અમૂલ્યા લિયોનાનો જન્મ કર્ણાટકના મૈસુરમાં ૩૧ જુલાઈ, ર૦૦૦માં થયો છે તે અત્યારે ર૦ વર્ષની છે.
પાકિસ્તાન તરફી સૂત્ર પોકારનારી વિદ્યાર્થિનીના સંબંધ માઓવાદીઓ સાથે હોવાનો કર્ણાટકના મુખ્યમંત્રીનો દાવો
કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદીયુરપ્પાએ કહ્યું છે કે, બેંગલુરૂના દેખાવો ખાતે પાકિસ્તાન તરફી સૂત્ર પોકારનારી કોલેજની વિદ્યાર્થીનીને જામીન ના મળવા જોઇએ. હવે પુરવાર થઇ ગયું છે કે,તેના સંબંધ માઓવાદીઓ સાથે છે. દેશદ્રોહના આરોપોનો સામનો કરતી અમૂલ્યા લિયોનાની શુક્રવારે જામીન અરજી ફગાવાઇ હતી અને તેને ૧૪ દિવસની ન્યાયિક હિરાસતમાં મોકલી દેવાઇ છે. ઉલ્લેખનીય છે કે, બેંગલુરૂ ખાતે નાગરિકતા સુધારા કાયદાના વિરોધમાં એક પ્રદર્શન રેલી યોજાઇ હતી જેમાં એઆઇએમઆઇએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી સહિતના કેટલાક નેતાઓ પણ હાજર હતા ત્યારે મંચ પર આવેલી અમૂલ્યા લિયોના નામની વિદ્યાર્થીનીએ પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવ્યા હતા. ત્યારે તરત અસદુદ્દીન ઓવૈસીએ તેની પાસેથી માઇક ઝુંટવી લીધું હતું . જોકે, માઇક ઝૂંટવતા પહેલા તેણે હિંદુસ્તાન જિંદાબાદનો નારો પણ પાંચ વખત લગાવ્યો હતો. બાદમાં પોલીસે તેની ધરપકડ કરીને તેની સામે દેશદ્રોહનો કેસ દાખલ કર્યો હતો.
‘‘તે ખોટી છે’’ઃ બેંગલુરૂમાં ‘‘પાકિસ્તાન ઝિંદાબાદ’’ કહેનારી મહિલાના પિતા
બેંગલુરૂમાં સીએએ વિરોધી પ્રદર્શનના મંચ પરથી ‘‘પાકિસ્તાન જિંદાબાદ’’નું સૂત્ર પોકારનારી યુવા મહિલાના પિતાએ પોતાની દિકરીની ટીકા કરી છે. તેમણે કહ્યું કે, તેણે જે કહ્યું છે તે ખોટું છે. અમૂલ્યા લિયોના નામની મહિલાએ બેંગલુરૂના સીએએ વિરોધી પ્રદર્શનો દરમિયાન પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવવાનો વીડિયો વાયરલ થયો છે. તેને ગુરૂવારે સાંજે પકડી લેવાઇ હતી અને દેશદ્રોહનો કેસ દાખલ કરીને ૧૪ દિવસની ન્યાયિક હિરાસતમાં મોકલી દેવાઇ છે. તેના પિતાએ કહ્યું કે, અમૂલ્યાએ જે કહ્યું તે ખોટું છે. તે કેટલાક મુસ્લિમો સાથે જોડાઇ હતી અને મારી વાત સાંભળી ન હતી. હંમેશા ‘એમ’ નામનો અક્ષર રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હોય છે.
Recent Comments